
તાજેતરમાં સર્જાયેલી મુસાફરી કટોકટી બાદ ઇન્ડિગોએ મુસાફરોને ₹10,000 નું ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. એરલાઇનનું કહેવું છે કે ગ્રાહકોને પડેલી મુશ્કેલી માટે તે જવાબદારીઓ નિભાવવા પ્રતિબદ્ધ છે. સાથે જ, જેઓની ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ થઈ હતી, તેમને ફ્લાઇટના બ્લોક સમયના આધારે ₹5,000 થી ₹10,000 સુધીનું વળતર આપવામાં આવશે.
ઇન્ડિગોએ નિવેદન આપ્યું છે કે કામગીરીમાં આવેલા વિક્ષેપ બાદ તમામ રિફંડ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મોટાભાગના મુસાફરોના રિફંડ તેમના ખાતામાં જમા થઈ ગયા છે, જ્યારે બાકી રહેલા રિફંડ ટૂંક સમયમાં જમા થશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ગંભીર અસુવિધાનો સામનો કરનાર મુસાફરોને વધારાના ₹10,000 ના ટ્રાવેલ વાઉચર્સ આપવામાં આવશે.
એરલાઇનનું કહેવું છે કે 3, 4 અને 5 ડિસેમ્બર, 2025 દરમિયાન કેટલાક એરપોર્ટ પર મોટી ભીડને કારણે ઘણા મુસાફરો કલાકો સુધી ફસાયાં હતા. આ પરિસ્થિતિથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા મુસાફરો માટે વિશેષ વાઉચર યોજના લાવવામાં આવી છે.
ઈન્ડિગોના જણાવ્યા મુજબ આ ટ્રાવેલ વાઉચર્સ આગામી 12 મહિનાની અંદર એરલાઇનની કોઈપણ ફ્લાઇટ માટે માન્ય રહેશે. સરકારી માર્ગદર્શિકાઓ હેઠળ આવશ્યક વળતર ઉપરાંત, આ વાઉચર્સ મુસાફરોને વધારાની સહાયરૂપ રહેશે. એરલાઇનનો દાવો છે કે તે મુસાફરોને ઉત્તમ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ વાઉચરનો મુખ્ય હેતુ છે મુસાફરોનો વિશ્વાસ પાછો મેળવવો. તાજેતરની કટોકટી બાદ ઇન્ડિગોની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે, જેના કારણે એરલાઇન ફરીથી મુસાફરોને પોતાની સેવા તરફ આકર્ષવા માંગે છે. કારણ કે વાઉચરનો ઉપયોગ ફક્ત ઇન્ડિગો સાથેની આગામી મુસાફરીમાં જ થઈ શકે છે, એરલાઇનને આશા છે કે અસરગ્રસ્ત ગ્રાહકો ફરી તેમની સેવા પસંદ કરશે.
ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે જો બુકિંગ કોઈ ટ્રાવેલ પાર્ટનર અથવા થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ મારફતે કરવામાં આવ્યું હોય, તો જરૂરી રિફંડ પ્રક્રિયા શરૂઆત કરી દેવામાં આવી છે. તેમ છતાં, કેટલીક બુકિંગ વિગતો સિસ્ટમમાં ઉપલબ્ધ ન હોય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં મુસાફરોને customer.experience@goindigo.in પર ઈમેઈલ દ્વારા સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે. તેમને તાત્કાલિક મદદ મળી શકે.
Published On - 5:32 pm, Thu, 11 December 25