
ભારતીય રેલવેએ દિલ્હી–મુંબઈ અને દિલ્હી–હાવડા હાઈ-ડેન્સિટી રૂટના કુલ 738 કિલોમીટરના વિભાગોમાં કવચ 4.0 સેફ્ટી સિસ્ટમને કાર્યરત કરી દીધી છે. આ અદ્યતન ટેક્નોલોજી વધુ સચોટ સ્થાન, સુધારેલ સિગ્નલિંગ અને મુસાફરોની સલામતીમાં નોંધપાત્ર વધારો કરશે. અત્યાર સુધીમાં 40,000 થી વધુ રેલવે કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું કે દિલ્હી–મુંબઈ રૂટના પલવલ–મથુરા–નાગડા સેક્શન અને દિલ્હી–હાવડા રૂટના હાવડા–બર્ધમાન સેક્શન પર કવચ 4.0 સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. હાલમાં કવચ સિસ્ટમ 15,512 કિલોમીટરના રૂટ પર સ્થાપિત છે, જેમાં પૂરો ગોલ્ડન ક્વોડ્રિલેટરલ, ગોલ્ડન ડાયગોનલ, સૌથી ગીચ નેટવર્ક અને પસંદગીના મહત્ત્વના રેલવે માર્ગોનો સમાવેશ થાય છે.
કવચ 4.0 માં અનેક અદ્યતન સુવિધાઓ સામેલ છે જેમ કે વધુ સચોટ સ્થાન માહિતી, વિશાળ યાર્ડ્સમાં સ્પષ્ટ સિગ્નલ માહિતી, OFC (ફાઇબર કેબલ) પર સ્ટેશન–થી–સ્ટેશન કનેક્શન, અને મુસાફરોની સલામતીમાં વધારો માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સ સાથે સીધો ઈન્ટિગ્રેશન. આ સુધારાઓના આધારે રેલવે સમગ્ર નેટવર્કમાં કવચ 4.0નું વ્યાપક અમલીકરણ કરવાની યોજના ધરાવે છે.
રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી એ માહિતી આપી હતી કે સ્ટેશન મશીનરી અને ટ્રેકસાઈડ સાધનો સાથે કવચ સ્થાપિત કરવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે ₹50 લાખ આવે છે. જ્યારે એક એન્જિન પર કવચ સ્થાપિત કરવાનો ખર્ચ ₹80 લાખ સુધી થાય છે.
કવચ સિસ્ટમના સંચાલન માટે રેલવેએ વિશેષ તાલીમ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. અત્યાર સુધીમાં 40,000 ટેકનિશિયન, ઓપરેટર્સ અને એન્જિનિયરોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 30,000 લોકો પાઇલોટ્સ અને સહાયક લોકો પાઇલોટ્સ છે. આ તમામ તાલીમ કાર્યક્રમો IRISET (Indian Railways Institute of Signal Engineering and Telecommunications) ની સહાયથી વિકસાવવામાં આવ્યા છે.
અધિકૃત માહિતી મુજબ ઓક્ટોબર 2025 સુધી કવચ પ્રોજેક્ટ પર ₹2,354.36 કરોડ ખર્ચવામાં આવ્યા છે અને વર્ષ 2025–26 માટે ₹1,673.19 કરોડનું નવું બજેટ ફાળવવામાં આવ્યું છે. કામગીરીની પ્રગતિને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે વધારાનું ભંડોળ પણ ફાળવવામાં આવશે.