Breaking News : ભારત અને અમેરિકા વચ્ચે સીધી વાત… રુબિયોએ PM મોદીની કરી મુલાકાત, ટ્રમ્પ વતી વ્હાઇટ હાઉસ આવવાનું આપ્યું આમંત્રણ

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી. સુરક્ષા, વેપાર, અદ્યતન ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા પર વિસ્તૃત ચર્ચા થઈ.

Breaking News : ભારત અને અમેરિકા વચ્ચે સીધી વાત… રુબિયોએ PM મોદીની કરી મુલાકાત, ટ્રમ્પ વતી વ્હાઇટ હાઉસ આવવાનું આપ્યું આમંત્રણ
| Updated on: May 23, 2026 | 5:15 PM

સુરક્ષા, વેપાર અને વ્યૂહાત્મક સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે ફરી એકવાર ઉચ્ચસ્તરીય ચર્ચા થઈ છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાત બાદ અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બેઠક ખૂબ જ સકારાત્મક અને મહત્વપૂર્ણ રહી. સુરક્ષા, વેપાર, અદ્યતન ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમણે ભારતને અમેરિકા માટે એક વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું.

ટ્રમ્પ વતી PM મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ

આ મુલાકાત દરમિયાન માર્કો રુબિયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા માટે સત્તાવાર આમંત્રણ પણ આપ્યું હતું. રાજદૂત સર્જિયો ગોરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન યુદ્ધ સહિતના વૈશ્વિક પડકારોને કારણે વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, ઊર્જા સુરક્ષા, વેપાર સંબંધો અને ક્વાડ દેશો વચ્ચેના સહકાર જેવા મુદ્દાઓ પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું.

વૈશ્વિક શાંતિ તેમજ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્કો રુબિયોને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ભારત-અમેરિકા કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સતત મજબૂત બની રહી છે. સાથે જ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ તેમજ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર બંને દેશોએ સકારાત્મક ચર્ચા કરી હોવાનું તેમણે જણાવ્યું.

દિલ્હી મુલાકાત પહેલાં માર્કો રુબિયોએ કોલકાતાની પણ મુલાકાત લીધી હતી. અહેવાલ મુજબ, છેલ્લા લગભગ 14 વર્ષમાં કોઈ અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટની આ પહેલી કોલકાતા મુલાકાત માનવામાં આવી રહી છે. અગાઉ 2012માં તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને શહેરની મુલાકાત લીધી હતી.

કોલકાતા પ્રવાસ દરમિયાન રુબિયોએ મધર ટેરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક ‘મધર હાઉસ’ અને ‘નિર્મલા શિશુ ભવન’ની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં લગભગ એક કલાક વિતાવી સંસ્થાની બહેનો સાથે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ તેમણે ઐતિહાસિક વિક્ટોરિયા મેમોરિયલની મુલાકાત લઈને શહેરની સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળ્યો હતો.

22 રૂપિયા ઘટી શકે… જો પેટ્રોલની કિંમતમાં લાગી જાય GST, જાણો આખી ગણતરી

Published On - 5:15 pm, Sat, 23 May 26

Follow Us