ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) લોકસભામાં (Lok Sabha) માહિતી આપી છે કે કલમ 370 (Article 370) નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરની બહારના 34 લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. આ મિલકતો કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં આવેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370, 35A લાગુ હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીર સિવાય અન્ય કોઈપણ રાજ્યનો રહેવાસી ત્યાં જમીન ખરીદી શકતો ન હતો. પરંતુ જ્યારથી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે અને કલમ 370 હટાવવામાં આવી છે, ત્યારથી કોઈપણ પ્રદેશના રહીશ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે.
5 ઓગસ્ટ, 2019 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ અધિકારો મળ્યા હતા. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ અને અલગ બંધારણ અમલમાં હતું. સંરક્ષણ, વિદેશ અને સંદેશાવ્યવહારની બાબત સિવાયના તમામ કાયદાઓ બનાવવા માટે રાજ્યની પરવાનગી જરૂરી હતી. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી અને અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા.
ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ રંજન પ્રકાશ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બદલાયેલા વાતાવરણમાં સાઉદીની ત્રણ કંપનીઓ અહીં ભારે રોકાણ કરી રહી છે. આ પૈકી, MR ગ્રુપ જમ્મુમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ અને શ્રીનગરમાં બદામીબાગ પાસે બે IT ટાવર બનાવશે. તેમાં તમામ પ્રકારની કંપનીઓ હશે.
જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની ફાળવણી પર જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ માટે એફિડેવિટ આપવી પડશે. જમીનની ફાળવણી મેરિટ કમ ચોઇસના આધારે કરવામાં આવે છે. હવે જમીન ફાળવણી બાદ ત્યાં જે તે હેતુ માટે લીધેલ જમીનમાં જે તે ચીજવસ્તુનુ ઉત્પાદન કરવું પડશે. જે હેતુ માટે જમીન લેવામાં આવી છે તે પરિપૂર્ણ ન થાય તો ફાળવણી રદ કરવામાં આવશે. જમીનના ઉપયોગના નિયમોમાં ફેરફારથી ઉદ્યોગો સ્થાપવાનો માર્ગ મોકળો થયો છે. જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બે અઠવાડિયા પહેલા લોકસભામાં માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધી ત્યાં 890 કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ