આજે 05 મે અને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટના જામકંડોરણમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જામકંડોરણના ખડુડા, ચરેલ, બાલાપર ગામમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે જામકંડોરણમાં વરસાદ. બપોર બાદ એકાએક આકાશમાં ઘેરાયા કાળા વાદળો. કાચા રસ્તાએ પર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી. માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ.
અમરેલીના ખાંભા બાદ ધારીના ગીરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધારી શહેરમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ. ભરઉનાળે માવઠાથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ.
ભુજ-અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ભરઉનાળે વરસાદ વરસ્યો છે. અંજારના હીરાપરમાં સર્જાયો ચોમાસા જેવો માહોલ. ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારમાં વરસાદ. ભારે પવનની સાથે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. જિલ્લામાં અમુક સ્થળે કરા સાથે પણ વરસ્યો વરસાદ.
ગીરસોમનાથના ગીર ગઢડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. તુલસીશ્યામ અને આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભર ઉનાળામાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ.
રાજકોટના જેતપુર હાઈવે પર કમોસમી વરસાદ વરસ્યો છે. હાઈવે પર ઝરમર વરસાદી ઝાપટું પડ્યું. જેતપુરના પીઠડિયા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભરઉનાળે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી. ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક.
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના 19 યુનિટ તોડી પડાયા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ધોબી ઘાટમાં કરાયું ડિમોલેશન. ગેરકાયદેસર ચાલતા ધોબી ઘાટના 19 unit દૂર કરાયા. ધોબી ઘાટ દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવતું હતું. નદીમાં પ્રદૂષિત પાણી નાખીને નદીને વધુ પ્રદૂષિત કરવામાં આવતી હતી. એક વર્ષથી ધમધમતા હતા આ યુનિટ.
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી નોટિસ. નોટિસ બાદ યુનિટો દૂર કરવાની કામગીરી કરાઈ. એકમ સંચાલકોનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં ઘણી એવી ફેક્ટરીઓ છે જે પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવે છે. બાયપાસ પાણી નદીમાં નાખીને નદી ખરાબ કરે છે. આવા એકમો સામે કાર્યવાહી કરાતી નથી. ધોબી ઘાટના સંચાલકો સ્વીકારી રહ્યા છે કે, તેઓ પાણી નદીમાં નાખતા હતા.
સુરતમાં ACBની ટ્રેપમાં ઓલપાડ સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. આરોપી નિલેશ પાંડવ સિટી સર્વે કચેરી ઓલપાડમાં વર્ગ 3ના કર્મચારી શિરેસ્તેદાર તરીકે કામ કરે છે. ફરિયાદીના અસીલની મિલ્કતના પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા કરેલી 3 અરજીઓની નોંધો પ્રમાણિત કરવા એક અરજી પર કામ કરવા લાંચ માંગી હતી. અરજી દીઠ 1000 લેખે કુલ 3000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા ACBનો સંપર્ક કર્યો હતો. છટકા દરમિયાન આરોપી નિલેશ પાંડે 3000 સ્વીકારતા સ્થળ પર જ પકડાયો. સીટી સર્વે સુપ્રિટેનડેન્ટની ચેમ્બર બહાર ખુલ્લા પેસેજમાં લાંચ સ્વીકારતા નિલેશ પાંડવ ઝડપાયો. આરોપી પાસેથી 3000ની રકમ રિકવર કરવામાં આવી.
મમતા બેનર્જીએ, પશ્ચિમ બંગાળના પરિણામો જાહેર થયા બાદ, યોજેસ પ્રેસ કોન્ફરન્સમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, આ ચૂંટણીમાં અમારી લડાઈ ભાજપ સામે નહીં, ચૂંટણી પંચ સામે હતી. જો ન્યાયીક સંસ્થા પાસેથી જ ન્યાય ના મળે તો બીજી અપેક્ષા શું રાખવી. ટીએમસીના ચૂંટણી એજન્ટોને માર માર્યો છે. આ અંગે અમે ફરિયાદ કોને કરીએ. અસલી ચહેરો અલગ છે. ચૂંટણી પંચ, ભાજપ, કેન્દ્ર અને સેન્ટ્ર્લ એજન્સીએ એકધરી રચી હતી.
મમતા બેનર્જીએ કહ્યુ કે પરિણામને લઈને અમે ફેક્ટ ફાઈન્ડિગ કમિટી રચીશું. જે સમગ્ર ચૂંટણીમાં કરાયેલ ગરબડ અંગે તપાસ કરાશે અને લોકો સમક્ષ રજૂ કરાશે. તેમણે કહ્યું કે, મને મત કેન્દ્રે જવાની મંજૂરી નહોતી અને ભાજપના ઉમેદવારો અંદર ફરતા હતા. આ તંત્ર દ્વારા દાખવવામાં આવેલ ચોખ્ખી કિન્નાખોરી છે. ભેદભાવ રાખવામાં આવ્યો છે. મતગણતરી મથકનો કબજો કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ખરાબ રીતે હાર્યા બાદ, મમતા બેનર્જીએ યોજેલ પ્રેસકોન્ફરન્સમાં કહ્યું કે, અમે ચૂંટણી હાર્યા નથી અમને તંત્ર દ્વારા હરાવવામાં આવ્યા છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હારી ગયા બાદ, ટીએમસીના સર્વેસર્વા મમતા બેનરજીએ આજે 6 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં, આક્ષેપ કર્યો હતો, કે ભાજપે ચૂંટણી પંચનો દુરપયોગ કર્યો છે. સરકારી મશીનરી પર કબજો કર્યો છે.
અમદાવાદમાં ગર્લ ફ્રેન્ડ માટે પ્રેમી યુવાન બન્યો ચોર. ઝોન 1 LCB એ સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગ પકડી પાડી છે. ગેંગના સભ્યો સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતા હતા. ત્રણ વ્યક્તિઓ પાર્ક કરેલી બાઇક ચોરી કરતા હોવાની માહિતી પોલીસને મળી. આરોપી સુનિલ, કૈલાશ અને બ્રિજેશની ધરપકડ કરવામાં આવી. એક આરોપી રાજસ્થાનના શિહોરી અને બે ડુંગરપુરના રહેવાસી. સુનિલકુમાર પશ્ચિમના વિસ્તારોમાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલ હોય અને જનરલ પાર્કિંગમાં પડી રહેલ બાઈક શોધતો હતો. ત્રણ આરોપીની ધરપકડ અને મુખ્ય આરોપી થાવા, વિકાસ અને પ્રવીણ વોન્ટેડ.
મુખ્ય આરોપી થાવા અન્ય બે આરોપી લઈને આવતો અને પોતાનું એક હથિયાર લઈ બાઇક સ્ટાર્ટ કરતા. કૈલાશ નામના આરોપી થલતેજમાં રહેતો અને બહારથી આવતા આરોપી કૈલાસના ઘરે રોકાતા હતા. છેલ્લા પાંચ મહિનાથી ચોરી કરવાનું કામ કરે છે. પોતાનું અંગત કામ, ગર્લ ફ્રેન્ડને ફરવા લઈ જવા આરોપી ચોરી કરતા. કુલ 12 જેટલા સ્પોર્ટ્સ બાઇક ઝોન 1 LCB એ પકડી પાડવામાં આવેલ છે.
વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સાબરમતી, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવામાં આવેલ છે. સ્પોર્ટ બાઇક એટલે ચોરી કરતા કેમકે એની રિ સેલ વેલ્યુ સારી આવતી.
બંગાળમાં સરકાર બનાવવા ભાજપે કવાયત શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્રીય નિરીક્ષક તરીકે કરાઈ નિયુક્તિ. ભાજપના નવા ચૂંટાયેલા mlaની બેઠકમાં મુખ્યમંત્રીના ચેહરાની પસંદગી પર વાગશે મોહર.
અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. હથિયારધારી શખ્સ અને United States Secret Serviceના એજન્ટો વચ્ચે અથડામણ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિ J. D. Vanceનો કાફલો પસાર થયા બાદ શંકાસ્પદ વ્યક્તિએ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ કાર્યવાહી કરતા હુમલાખોર ઘાયલ થયો. ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી તપાસ હાથ ધરાઈ છે.
વડોદરા પોલીસે નકલી ચલણી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. SOG ટીમે કામગીરી દરમિયાન 500 રૂપિયાની 85 નકલી નોટો સાથે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં વલસાડના બે, મોરબીના ત્રણ અને રાજસ્થાનનો એક શખ્સ સામેલ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી આયોજનબદ્ધ રીતે બજારમાં નકલી નોટો ફેલાવવાનો ષડયંત્ર રચી રહી હતી. ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાની કામગીરી કરવામાં આવતી હતી. વલસાડના એક આરોપીએ વડોદરામાં બેંક એકાઉન્ટ ખોલાવી આ ગેરકાયદેસર ધંધાને આગળ વધાર્યો હતો. પોલીસે એક પછી એક કડીઓ જોડીને આખું નેટવર્ક બહાર લાવી આરોપીઓને કાયદાની પકડમાં લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આશરે રૂ.150 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું ઉદ્ઘાટન આ પ્રસંગે થશે. આ સમગ્ર સંકુલ લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને ‘સરદાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ત્રિપલ તલાક સહિતના વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરવામાં આવેલી કામગીરી બદલ તેમને આ સન્માન આપવામાં આવશે. પાટીદાર સમાજની આઠ સંસ્થાઓ મળીને આ સન્માન સમારોહનું આયોજન કરી રહી છે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાથે જ પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક આવેલ સરદારધામ – મધ્ય ગુજરાત ખાતે આ કાર્યક્રમ 11 મેના રોજ સાંજે 4:30 વાગ્યે યોજાશે, જેને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘાઘોસર ગામમાં બે પરિવારો વચ્ચે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. અંગત અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે બબાલ વધતાં હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ અંગત વિવાદને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં SBI બેંકમાં થયેલી લૂંટની ઘટના બાદ બેંક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફેડરેશન દ્વારા આ મામલે કડક નિવેદન આપવામાં આવ્યું છે. ફેડરેશનના જણાવ્યા મુજબ લૂંટારા શખ્સો પૂર્વ આયોજન સાથે બેંકમાં પ્રવેશ્યા હતા અને આ ઘટના ગંભીર સુરક્ષા ખામીને દર્શાવે છે. સંસ્થાએ બેંકમાં પૂરતી સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીને લૂંટ માટે જવાબદાર ગણાવી છે અને પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ યોગ્ય રીતે ફરજ બજાવતા નથી એવો આક્ષેપ પણ કર્યો છે.
પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું છે કે બંગાળમાં નવી સરકાર 9 મેના રોજ શપથ લેશે.
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્રણ ઠગબાજો બોગસ ચલણી નોટો આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપી લોકોને ફસાવતા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેગેનેટ સોલ્યુશન સહિતના વિવિધ કેમિકલ પણ મળી આવ્યા છે, જે નકલી નોટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ભેજાબાજોએ ઔરંગાબાદમાં પણ 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ઠગાઈના કેસોમાં સંડોવાયેલા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતવાસીઓને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 10 મે સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચું જ રહેશે અને પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે.અમદાવાદમાં આજથી આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 9 મેના રોજ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સતત વધતી ગરમીને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે અનેક સ્થળોએ અસર જોવા મળી છે. બલૈયા–ફતેપુરા માર્ગ પર કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રસ્તાની વચ્ચોવચ વૃક્ષ પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ અને રસ્તા પરથી વૃક્ષ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના કડીમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીના મોત મામલે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૩માં અલ્પેશજી ઠાકોર નામના દર્દીનું મણકાના ઓપરેશન દરમિયાન નસ કપાઈ જવાથી મોત થયું હોવાનો આરોપ છે. આ મામલે કડીની ભાગ્યોદય હોસ્પિટલના ડૉક્ટર યક્ષ શૈલેષ સોમપુરા વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રિપોર્ટમાં પણ નસ કપાવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સુનોખ અને વાશેરાકંપા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે મેઘરજ, મોડાસા, માલપુર, ઈસરી અને જીતપુરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ અચાનક વરસાદને કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકાના મઘરવાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બગીચામાં કામ કરી રહેલા એક આધેડ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ખાસ કરીને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માવઠું પડતાં ધરતી તાજગીથી છલકાઈ ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આ અચાનક બદલાયેલા હવામાનથી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published On - 7:39 am, Tue, 5 May 26