ભાગેડુ મેહુલ ચોક્સી પર સેબીની મોટી કાર્યવાહી, બેંક અને ડીમેટ ખાતાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ જપ્ત
2018ની શરૂઆતમાં PNB કૌભાંડ બહાર આવ્યા બાદ મેહુલ ચોક્સી અને નિરવ મોદી બંને ભારતથી ભાગી ગયા હતા. ચોક્સી એન્ટીગુઆ અને બર્બુડામાં હોવાના અહેવાલ છે, નિરવ મોદી બ્રિટિશ જેલમાં બંધ છે અને તેણે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને પડકારી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીના બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જેથી કુલ રૂ. 5.35 કરોડની વસૂલાત કરી શકાય. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે સેબીએ 2022માં ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં છેતરપિંડી કરવા બદલ દંડ ફટકાર્યો હતો, જે ચૂકવવામાં આવ્યો ન હતો. મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને MD અને નીરવ મોદીના મામા હોવા સાથે પ્રમોટર ગ્રૂપનો ભાગ હતો. બંને પર પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં 14,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે.
આવી કરાઈ છે કામગીરી
2018ની શરૂઆતમાં PNB કૌભાંડ બહાર આવ્યા બાદ મેહુલ ચોક્સી અને નિરવ મોદી બંને ભારતથી ભાગી ગયા હતા. ચોક્સી એન્ટીગુઆ અને બર્બુડામાં હોવાના અહેવાલ છે, નિરવ મોદી બ્રિટિશ જેલમાં બંધ છે અને તેણે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને પડકારી છે. સેબીએ બુધવારે એક નોટિસમાં જણાવ્યું હતું કે, રૂ. 5.35 કરોડના બાકી લેણાંમાં રૂ. 5 કરોડનો પ્રારંભિક દંડ, રૂ. 35 લાખનું વ્યાજ અને રૂ. 1,000ની વસૂલાત ખર્ચનો સમાવેશ થાય છે.
લેણાંની વસૂલાત કરવા માટે, સેબીએ તમામ બેંકો, ડિપોઝિટરીઝ-સીડીએસએલ અને એનએસડીએલ અને મ્યુચ્યુઅલ ફંડ્સને ચોક્સીના ખાતામાંથી કોઈપણ ડેબિટની મંજૂરી ન આપવા જણાવ્યું છે. જો કે, ક્રેડિટની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સેબીએ બેંકોને ડિફોલ્ટર દ્વારા જાળવવામાં આવેલા તમામ લોકર એકાઉન્ટને જોડવાનો નિર્દેશ આપ્યો છે.
ચોકસી સામે આ હતો આક્ષેપ
એટેચમેન્ટની કાર્યવાહી પહેલા, સેબીએ 18 મેના રોજ ચોક્સીને ડિમાન્ડ નોટિસ મોકલી હતી, જેમાં તેમને આ કેસમાં રૂ. 5.35 કરોડ ચૂકવવા કહ્યું હતું અને જો 15 દિવસમાં ડિફોલ્ટ થાય તો, ધરપકડ કરવા અને મિલકતોની સાથેસાથે જપ્ત બેન્ક ખાતાઓ જપ્ત કરવાની ચેતવણી આપી હતી. ઑક્ટોબર 2022માં, SEBIએ ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં છેતરપિંડી કરવા બદલ તેમના પર 5 કરોડ રૂપિયાનો દંડ લાદયો હતો. દંડ લાદવા ઉપરાંત, નિયમનકારે તેના પર 10 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધ પણ મૂક્યો હતો. રેગ્યુલેટરે ગીતાંજલિ જેમ્સના શેર્સમાં છેતરપિંડીની તપાસ કર્યા બાદ મે 2022માં મેહુલ ચોક્સીને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. સેબીએ જુલાઈ 2011 થી જાન્યુઆરી 2012 ના સમયગાળા માટે કંપનીના શેરમાં અમુક એન્ટિટીની ટ્રેડિંગ પ્રવૃત્તિઓની તપાસ કરી હતી.