
દેશભરના ઍરપોર્ટ્સ પર હાલ અંધાઘધુંધીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ સહિતના અનેક ઍરપોર્ટ્સ પર મુસાફરો રઝળી પડ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ થવાને કારણે ઍરપોર્ટ પર અંધાધુંધી જેવો સ્થિતિ સર્જાઈ છે. એકતરફ ફલાઈટ એટેડન્ટ્સ દ્વારા કોઈ સંતોષજનક જવાબ નથી મળ્યા તો બીજી તરફ સમયસર ફ્લાઈટ્સ ન ઉપડવાને કારણે અનેક મુસાફરોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. આ તમામ સમસ્યાઓનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી અને હજારો મુસાફરો અટવાયેલા છે. તેમા ઍર લાઈન્સ કંપનીઓેએ પણ તેમના ઍરફેરમાં વધારો કર્યો છે.
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આના કારણે આજે પણ 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ત્યારે મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાથી સમગ્ર ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર પર અસર પડી છે. હવે, ઇન્ડિગો સહિત અન્ય ઍરલાઈન્સ કંપનીઓએ આપદામાં અવસરની તક ઝડપી લીધી છે અને ફ્લાઇટ ભાડામાં ઝડપથી વધારો કરવાનું શરૂ કર્યું છે. મુસાફરો અને બુકિંગ પોર્ટલોએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે ઘણી એરલાઇન્સ પર સ્થાનિક ક્ષેત્રની ટિકિટો હવે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રિટર્ન ભાડા કરતાં વધુ મોંઘી છે.
લો કોસ્ટ કેરિયર ગણાતી સ્પાઈસ જેટ પણ અમુક રૂટની ફ્લાઈટ્સ માટે ₹80,000 સુધી ચાર્જ કરી રહી છે, જે સામાન્ય ભાડા ₹5,000-₹12,000 કરતા નોંધપાત્ર રીતે વધારે છે. ઍર ઇન્ડિયાની ટુ-સ્ટોપ ફ્લાઈટ પર ઈકોનોમી ક્લાસની ટિકિટનું વનવે ફેર ₹70,329 છે. ઉપરાંત, હૈદરાબાદથી ભોપાલ સુધીની લાસ્ટ મિનટ ઍર ઇન્ડિયા કનેક્શન પર, થ્રી સ્ટોપ સાથે, બિઝનેસ ક્લાસ ટિકિટ ₹127,090 સુધી પહોંચી ગઈ છે.
દિલ્હી-બેંગલુરુની વન-વે ઇકોનોમી ટિકિટ ₹21,000 થી વધીને ₹52,694 થઈ ગઈ છે. આજે, દિલ્હીથી જયપુરનું ભાડું ₹88,000 છે, જ્યારે દિલ્હીથી ન્યૂયોર્કનું ભાડું ₹47,500 છે, અને દિલ્હીથી લંડનનું ભાડું ₹27,000 છે. આનો અર્થ એ થયો કે ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ આંતરરાષ્ટ્રીય ટિકિટ કરતા લગભગ બમણી કિંમતની છે. વધુમાં, દિલ્હીથી પટના અને બેંગલુરુની ટિકિટ પણ ₹40-40,000 માં વેચાઈ રહી છે.
DGCA એ 1 નવેમ્બરથી ક્રૂ સભ્યો અને પાઇલટ્સ માટેના કામો સંબંધિત નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. આને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમીટેશન કહેવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત પાઇલટ્સને અઠવાડિયામાં બે દિવસની રજા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે નવા નિયમો હેઠળ, તેમને સપ્તાહમાં 48 કલાકનો આરામ આપવામાં આવશે, જે પહેલા 36 કલાકનો હતો.
ઉપરાંત, નાઈટ ડ્યુટી અને ડ્યુટી ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત હવે નાઈટ ડ્યુટી 12 AM–6 AM સુધી રહેશે અને નાઈટ શિફટની ઉડાનનો સમય 8 કલાક અને ઓવરઓલ ડ્યુટી સમય 10 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમો પાઇલટ્સ માટે પૂરતો આરામ સુનિશ્ચિત કરવા અને સલામતી વધારવા માટે લાગુ કરવામાં આવ્યા હતા. આ નવા નિયમને કારણે પાઇલટ્સની માંગમાં અચાનક વધારો થયો, જેની અસર ઇન્ડિગો પર તેના વિશાળ નેટવર્કને કારણે સૌથી વધુ પડી. આ તરફ ઈન્ડિગોમાં ફ્લાઈટ્સમાં સર્જાયેલી કટોકટી બાદ DGCA એ FDTL નિયમ પાછો ખેંચી લીધો છે અને જણાવ્યું છે કે તે તાત્કાલિક અસરથી આદેશનો અમલ કરશે.
Published On - 3:31 pm, Fri, 5 December 25