
મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય શેખર પાટીલને સસ્તા ફ્લેટની લાલચ આપીને તેની સાથે સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર નકલી જાહેરાત બતાવીને તે વ્યક્તિને છેતર્યો હતો અને અલગ-અલગ બહાનાઓ કરી તેની પાસેથી કુલ 1.07 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
ફરિયાદ બાદ, સાયબર સેલે આગળ કાર્યવાહી કરી અને થાણે જિલ્લાના બદલાપુરથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે, આ કેસમાં વધુ પીડિતો હોઈ શકે છે.
ધ ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ, પીડિત શેખર પાટિલ 2BHK ફ્લેટ ખરીદવા માંગતો હતો. ફેસબુક પર સ્ક્રોલ કરતી વખતે, તેણે એક પેજ પર સસ્તા ફ્લેટની જાહેરાત જોઈ અને તેણે પેજ પર આપેલા ઈમેલ પર સંપર્ક કર્યો.
આરોપીએ પોતાને બિલ્ડરનો એજન્ટ હોવાનો દાવો કર્યો હતો. જણાવી દઈએ કે, આરોપીએ પહેલા શેખર પાટીલનો વિશ્વાસ જીત્યો અને એક ફોર્મ ભરાવ્યું જેમાં વ્યક્તિગત માહિતી માંગવામાં આવી હતી.
આરોપીએ શરૂઆતમાં રજીસ્ટ્રેશન ફીના નામે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેણે વારંવાર MHADA ક્લિયરન્સ, BMC NOC વગેરે જેવા વિવિધ નકલી દસ્તાવેજોના નામે પૈસાની માંગણી કરી હતી.
પીડિતે 2018 થી 2024 એટલે કે, 6 વર્ષમાં કુલ 215 વાર ટ્રાન્ઝેક્શન કરીને 1.07 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આટલું કર્યા બાદ યુવકને કોઈ ફ્લેટ મળ્યો નહોતો. જ્યારે યુવકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે 3 જૂન, 2025ના રોજ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ઈમેલ, બેંક એકાઉન્ટ, ફેસબુક પેજ અને આઈપી લોગની મદદથી આરોપી સાન્યમ દેવમણિ પાંડે સુધી પહોંચી ગઈ હતી અને તેની ધરપકડ કરી હતી. આરોપીએ ફ્લેટ વેચવાના નામે નકલી ફેસબુક પેજ બનાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરી હતી.
પોલીસને શંકા છે કે, આરોપીએ આ રીતે બીજા લોકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હશે. પોલીસ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર દેખાતી કોઈપણ ઓફર પર તપાસ કર્યા વિના પૈસા ન મોકલવા.