
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં શુક્રવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા લોકો આવકવેરા વિભાગના અધિકારી બનીને એક કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચ્યા અને નકલી દરોડો પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આરોપીઓ લગભગ 50 તોલા સોનું, 4 લાખ રૂપિયા રોકડા અને એક મોબાઇલ ફોન લઈને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, આ ઘટના ધારના બાગ વિસ્તારના બ્રાહ્મણ મહોલ્લામાં બની હતી. સવારે લગભગ 9:40 વાગ્યે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં પાંચ લોકો કોન્ટ્રાક્ટર રાજકુમાર માલવિયાના ઘરે પહોંચ્યા. તેમાંના બે લોકો ખાખી યુનિફોર્મમાં હતા જ્યારે અન્ય ત્રણ લોકો સામાન્ય કપડામાં હતા.
આરોપીઓએ ઘરના દરવાજા પર ટકોરા મારી પોતાને આવકવેરા વિભાગના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા. તેમણે કાળા નાણાં અંગે ફરિયાદ મળી હોવાનું કહીને ઘરની તપાસ કરવાની વાત કરી. પરિવારને શંકા ન જાય તે માટે તેઓ તરત જ ઘરમાં પ્રવેશી ગયા અને તપાસ શરૂ કરી દીધી.
પીડિત કૃષ્ણ માલવિયાના જણાવ્યા મુજબ, આરોપીઓએ ઘરના કબાટ અને અન્ય જગ્યાઓમાં તપાસ શરૂ કરી. તેમણે કબાટની ચાવીઓ પણ લઈ લીધી અને અલગ-અલગ રૂમમાં તપાસ કરતા રહ્યા. આ દરમિયાન પરિવારના સભ્યોને એક રૂમમાં રાખી તેમના મોબાઇલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધા.
લગભગ 15 મિનિટ સુધી ઘરમાં તપાસના બહાને શોધખોળ કર્યા પછી આરોપીઓ કબાટમાંથી આશરે 50 તોલા સોનાના દાગીના, 4 લાખ રૂપિયા રોકડા અને એક મોબાઇલ ફોન લઈને સ્કોર્પિયો કારમાં બેસી ઝડપથી ફરાર થઈ ગયા.
ઘટના બાદ પરિવારને શંકા જતા તેમણે તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. સાથે જ સાયબર ટીમ પણ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસમાં જોડાઈ ગઈ છે.
Published On - 8:42 pm, Fri, 13 March 26