EPFOએ રિટાયર્ડ કર્મચારી પાસે વ્યાજ સાથે 2.5 કરોડ પાછા માંગ્યા… હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો

તેલંગાણાના એક નિવૃત્ત કર્મચારીને EPFO દ્વારા ₹2.5 કરોડ અને વ્યાજ પરત કરવા નોટિસ મોકલવામાં આવી હતી. જોકે, તેલંગાણા હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે નિવૃત્ત કર્મચારી પાસેથી PFની રકમ પાછી વસૂલ કરી શકાય નહીં. જો કોઈ કાર્યવાહી કરવી હોય તો EPFO કંપની અને તેના PF ટ્રસ્ટ સામે કરી શકે છે.

EPFOએ રિટાયર્ડ કર્મચારી પાસે વ્યાજ સાથે 2.5 કરોડ પાછા માંગ્યા... હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Image Credit source: TV9 Network
| Updated on: Jun 18, 2026 | 8:55 PM

સામાન્ય રીતે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વ્યક્તિ પોતાના પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસાથી બાકીનું જીવન શાંતિથી વિતાવવાનું વિચારે છે. પરંતુ, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે નિવૃત્તિના મહિનાઓ પછી EPFO (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) તમારી પાસે જઈને એમ કહે કે તમારા પીએફના 2.5 કરોડ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દો? તેલંગાણાના એક નિવૃત્ત કર્મચારી સાથે આવી જ એક ચોંકાવનારી ઘટના ઘટી છે, જેમાં આખરે હાઇકોર્ટે હસ્તક્ષેપ કરીને મોટો ચુકાદો આપ્યો છે.

તેલંગાણા હાઇકોર્ટે આ મામલે કર્મચારીના પક્ષમાં ચુકાદો આપતા સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારી પાસેથી તેના પીએફના પૈસા કોઈ પણ સંજોગોમાં પાછા માંગી શકાય નહીં. હાઇકોર્ટે ઉમેર્યું કે જો EPFO કોઈ કાનૂની કાર્યવાહી કરવા માંગતું હોય, તો તે સંબંધિત કંપની અને તેના પીએફ ટ્રસ્ટ સામે કરી શકે છે, કર્મચારીનો આમાં કોઈ વાંક નથી.

શું હતો આખો મામલો?

એક અહેવાલ મુજબ, તેલંગાણાના રહેવાસી જે.વી. નૃપેન્દ્ર રાવ વર્ષ 2023માં પોતાની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. રિટાયરમેન્ટના સમયે તેમને કંપની તરફથી પીએફના બાકી નાણાં પેટે 2.5 કરોડ રૂપિયા મળ્યા હતા. કંપની પાસે પહેલા ‘એક્ઝેમ્પટ ટ્રસ્ટ’ (Exempt Trust – સ્વાયત્ત ટ્રસ્ટ) નો દરજ્જો હતો. નૃપેન્દ્ર રાવને હજુ બીજા 70 લાખ રૂપિયા મળવાના બાકી હતા, પરંતુ કંપનીના પીએફ ટ્રસ્ટે તે રકમ યસ બેંક (YES Bank) ના બોન્ડમાં ઇન્વેસ્ટ કરી હોવાથી અને આરબીઆઈના આદેશ બાદ તે બોન્ડ ફ્રીઝ થઈ ગયા હોવાથી પેમેન્ટમાં વિલંબ થયો હતો.

બાદમાં કંપનીએ 1 માર્ચ, 2023ના રોજ પોતાના પીએફ ટ્રસ્ટનો સ્વાયત્ત દરજ્જો (Exemption Status) છોડી દીધો અને 21 જુલાઈ, 2023 ના રોજ રાવને 2.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા.

EPFOએ રિકવરી નોટિસ કેમ મોકલી?

17 ફેબ્રુઆરી 2025 ના રોજ EPFOએ અચાનક નૃપેન્દ્ર રાવને એક આંચકાજનક રિકવરી નોટિસ મોકલી. આ નોટિસમાં તેમને માત્ર સાત દિવસની અંદર 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે આખેઆખા 2.5 કરોડ રૂપિયા પાછા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. EPFO નો તર્ક એવો હતો કે, નિયમો અનુસાર એકવાર જ્યારે કોઈ કંપનીના પીએફ ટ્રસ્ટનો સ્વાયત્ત દરજ્જો ખતમ થઈ જાય, ત્યાર પછી તે પોતાના સભ્યોને પીએફના પૈસા સીધા ચૂકવી શકતી નથી, કારણ કે કંપનીએ તે તમામ પૈસા પહેલા EPFO ઓફિસમાં જમા કરાવવાના હોય છે. તેથી આ પેમેન્ટ પીએફના નિયમો મુજબનું નથી.

હાઇકોર્ટે EPFO ને શું સંભળાવ્યું?

EPFO ના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે નિયમો મુજબ, પીએફ ટ્રસ્ટની છૂટ રદ થયાના 10 થી 30 દિવસની અંદર એમ્પ્લોયરે બધી રકમ સત્તાવાર રીતે EPFO ખાતામાં ટ્રાન્સફર કરવાની હોય છે. જો કે, તેલંગાણા હાઇકોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી અને નૃપેન્દ્ર રાવને ફટકારેલી રિકવરી નોટિસને સંપૂર્ણપણે રદ કરી દીધી હતી. 5 મે 2026 ના રોજ આવેલા ચુકાદામાં (Case No. WP No. 6276 OF 2025) કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તેની તપાસ EPFO ભલે કરે અને કંપની સામે અલગથી પગલાં ભરે, પરંતુ કોઈ પણ સંજોગોમાં તે નિવૃત્ત કર્મચારી પાસેથી પૈસા વસૂલ કરી શકે નહીં.

RSI 50 ક્રોસ કરતા 22 શેરો પર રોકાણકારોની નજર! આગામી મહિનાઓમાં 15%થી 50% રિટર્નની શક્યતા

Follow Us