ઉત્તરાખંડના ઉતરકાશીમાં મધરાત્રે આવ્યો ભૂકંપ, લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા
ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 હોવાનું કહેવાય છે. જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 હોવાનું કહેવાય છે. જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડીરાત્રે અચાનક ધરતી ધ્રુજવાને કારણે ગાઢ નિંદ્રામાં સુતેલા લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ ઘણા લોકો, ભર ઊંધમાંથી જાગીને પોતાના ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના હળવા આંચકાને કારણે હાલ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી છે.
ભૂકંપનું ઉદગમ કેન્દ્ર ઉત્તરકાશી જિલ્લામાં જ જણાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડનો ઉત્તરકાશી જિલ્લો સિસ્મેક ઝોન-5માં આવે છે. આ સંદર્ભમાં, આ સમગ્ર જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. અહીં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ પહેલા ગત 12 ડિસેમ્બરના રોજ પણ ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો હતો. તે સમયે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.1 માપવામાં આવી હતી.
સૌથી મોટો ભૂકંપ 1991માં આવ્યો હતો
20 ઓક્ટોબર, 1991ના રોજ ઉત્તરકાશીમાં આવેલા ભૂકંપે દેશ અને દુનિયાને હચમચાવી દીધી હતી. ઉત્તરાખંડના ઈતિહાસમાં ઉત્તરકાશીનો ભૂકંપ ઉત્તરાખંડ રાજ્યની સૌથી મોટી આફતોમાંથી એક ગણાય છે. આ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા હતા અને કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું. 20 ઓક્ટોબર 1991ના રોજ ઉત્તરકાશીમાં ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. આજે પણ લોકો જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે 1991ના ભૂકંપની ભયાનકતાને યાદ કરીને ડરી જાય છે.
12 ડિસેમ્બરે પણ ઉત્તરકાશીમાં આવ્યો હતો ભૂકંપ
ગત 12 ડિસેમ્બરે ઉતરકાશી અને નેપાળમાં પણ ભૂકંપ આવ્યો હતો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધ્યરાત્રીના 2:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આનાથી કોઈ નુકસાનના થયુ નહોતું. જ્યારે નેપાળના બાગલુંગમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (NEMRC) અનુસાર, 12 ડિસેમ્બરે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
અગાઉ મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં આવ્યો હતો ભૂકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની 9 અને 10મી તારીખે મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દસમી ડિસેમ્બરે 33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ઘરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં 11.28 વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. મણિપુરના ચંદેલમાં અનુભવાયેલા ભૂકંપનુ કેન્દ્રબિંદુ જમીનથી 93 કિમીની ઊંડાઈએ હતું. આની બે મિનિટ બાદ એટલે કે 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ધરતી ધ્રૂજી હતી. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી. આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી પાંચ કિલોમીટરની ઉંડાઈએ હતું.