Delhi News: રાજધાની દિલ્હી આજે પણ નથી મહિલાઓ માટે સુરક્ષિત ! 3 વર્ષમાં 84 હજાર મહિલાઓ ગુમ, સરકારે જણાવ્યો આંકડો
મહિલાઓ અને છોકરીઓ ગુમ થવાના મામલામાં રાજધાની દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ટોચ પર છે. 2019 થી 2021 ની વચ્ચે દિલ્હીમાં 61 હજાર 54 મહિલાઓ અને 22 હજાર 919 છોકરીઓ ગુમ થઈ હતી.
દેશમાં છોકરીઓ અને મહિલાઓ સુરક્ષિત નથી. સરકારી આંકડાઓ ખુદ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં માહિતી આપી હતી કે 2019 થી 2021 ની વચ્ચે એટલે કે ત્રણ વર્ષમાં દેશમાંથી 13 લાખ 13 હજારથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રાખવામાં આવેલા આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના છે.
NCRBના ડેટા અનુસાર, ભારતના હૃદય મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ બીજા નંબરે અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2019 થી 2021 ની વચ્ચે આવી 10 લાખ 61 હજાર 648 મહિલાઓ ગુમ થઈ છે, જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે. જ્યારે 18 વર્ષની વયની 2 લાખ 51 હજાર 430 છોકરીઓ ગુમ થઈ હતી.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી ટોચ પર
મોટી વાત એ છે કે મહિલાઓ અને છોકરીઓ ગુમ થવાના મામલામાં રાજધાની દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ટોચ પર છે. 2019 થી 2021 ની વચ્ચે દિલ્હીમાં 61 હજાર 54 મહિલાઓ અને 22 હજાર 919 છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં 8 હજાર 617 મહિલાઓ અને 1 હજાર 148 છોકરીઓ ગુમ થઈ હતી.
કયા રાજ્યમાંથી કેટલી છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ? (2019 અને 2021 વચ્ચે)
- મધ્ય પ્રદેશ – એક લાખ 60 હજાર 180 મહિલાઓ અને 38 હજાર 234 છોકરીઓ
- પશ્ચિમ બંગાળ – એક લાખ 56 હજાર 905 મહિલાઓ અને 36 હજાર 606 છોકરીઓ
- મહારાષ્ટ્ર – એક લાખ 78 હજાર 400 મહિલાઓ અને 13 હજાર 33 છોકરીઓ
- ઓડિશા – 70 હજાર 222 મહિલાઓ અને 16 હજાર 649 છોકરીઓ
- છત્તીસગઢ – 49 હજાર 116 મહિલાઓ અને 10 હજાર 187 છોકરીઓ
ગુજરાતમાં પણ 5 વર્ષમાં 40 હજાર મહિલાઓ થઈ ગુમ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ડેટા કહે છે કે ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષના ગાળામાં 40,000 થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. 2016માં 7105 મહિલાઓ ગુમ થઈ હતી; 2017 માં 7712; 2018માં 9246; 2019 માં 9268; અને 2020 માં 8290. NCRB ડેટા (2022)માં, એકલા ગુજરાતમાં કુલ ગુમ થયેલા રિપોર્ટનો આકડો 41,621 છે.
મહિલાઓની સુરક્ષા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે સરકારે મહિલાઓની સુરક્ષા માટે પણ પગલાં લીધાં છે. મહિલાઓ સામે થતા જાતીય ગુનાઓને રોકવા માટે, ફોજદારી કાયદો (સુધારો) અધિનિયમ 2013 લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા માટે મૃત્યુદંડ સહિત અન્ય ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.