અલ્હાબાદ હાઈકોર્ટમાં (Allahabad High Court) દાખલ કરાયેલ તાજમહેલના (Taj Mahal) “ઈતિહાસ” અંગે તથ્ય-શોધની તપાસની માંગ કરતી અરજી પર આજે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. વકિલોએ કરેલા કામના બહિષ્કારને કારણે અગાઉ આ અરજીની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ભાજપના (BJP) અયોધ્યા એકમના મીડિયા ઈન્ચાર્જ રજનીશ સિંહે શનિવારે લખનૌ બેન્ચની રજિસ્ટ્રીમાં રિટ પિટિશન દાખલ કરી હતી. આ અરજી ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તાજમહલને લઈને વિવાદ સર્જવામાં આવ્યો છે. કેટલાક લોકોનું કહેવુ છે કે, તાજમહેલ પહેલા શિવ મંદિર હતુ. શિવમંદિરના સ્થાને તાજમહેલ બનાવવામાં આવ્યો છે. આખરે આ વિવાદ હાઈકોર્ટના દ્વારે પહોચ્યો છે.
ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે માંગ કરી હતી કે તાજમહેલના ઈતિહાસ સાથે જોડાયેલ સત્ય લોકો સમક્ષ લાવવામાં આવે અને તેના માટે અત્યાર સુધી બંધ રહેલા 22 રૂમના દરવાજા ખોલવામાં આવે. કેટલાક જમણેરી સંગઠનોએ ભૂતકાળમાં દાવો કર્યો છે કે મુગલ યુગની કબર હાલ જ્યા છે તે પહેલા ભગવાન શિવનું મંદિર હતું. અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ, પ્રયાગરાજ અને લખનૌ બંનેમાં, સૂચિમાં વધુ પડતા સમયના વિરોધમાં મંગળવારે કામનો બહિષ્કાર કર્યો હતો.
અરજદારે કરેલી અરજીમાં માંગણી કરી છે કે તાજમહેલ સ્મારકના બંધ રૂમના 22 દરવાજા સત્ય જોવા માટે ખોલવામાં આવે, પછી ભલે તે સ્મારકને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત અને ઐતિહાસિક સ્મારક જાહેર કરાયુ હોય. કારણ કે સ્મારકને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. અરજીમાં પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (રાષ્ટ્રીય મહત્વની ઘોષણા) અધિનિયમ, 1951, અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 ની કેટલીક જોગવાઈઓને બાજુ પર રાખવાની પણ માંગ કરવામાં આવી હતી, જેના હેઠળ તાજમહેલ, ફતેહપુર સિકરી, આગ્રાનો કિલ્લો, ઇતિમાદ-ઉદ-દૌલાની કબરને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.