યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂર દ્વારા કોંગ્રેસ (Congress) પર લગાવવામાં આવેલા આરોપોને લઈને નવો વિવાદ ઉભો થયો છે. કપૂરે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે તેના પર દબાણ કર્યું હતું. કપૂરે એમ પણ કહ્યું છે કે પેઇન્ટિંગ ખરીદ્યા પછી કોંગ્રેસને આપવામાં આવેલા પૈસાનો ઉપયોગ સોનિયા ગાંધીની ન્યૂયોર્કમાં સારવાર કરાવવા માટે કરવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસે કપૂરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને તેને ‘રાજકીય બદલો’ ગણાવ્યા. એટલું જ નહીં, પાર્ટીએ કપૂર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ રવિવારે આ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે કોઈપણ આધાર વિના ભાજપ આ મુદ્દાને ઉછાળવાનું કામ કરી રહ્યું છે. રવિવારે મીડિયાને સંબોધતા કોંગ્રેસે રાણા કપૂરના તમામ આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મીડિયાને સંબોધતા કહ્યું, એક વ્યક્તિ (રાણા કપૂર) જે વર્ષોથી જેલના સળિયા પાછળ છે. તે મૃત લોકો (મુરલી દેવરા અને અહેમદ પટેલ) પર આરોપ લગાવી રહ્યો છે અને સરકાર આ મુદ્દા પર હાથ મિલાવે છે કારણ કે તે તેમનો રાજકીય એજન્ડા છે.
સિંઘવીએ કહ્યું કે મોદી સરકાર 2022માં 2010ના ટ્રાન્ઝેક્શનને લઈને રાજનીતિ કરવા માંગે છે. તે પણ ત્યારે જ્યારે ન તો મુરલી દેવરા અહીં નકારવા માટે હાજર છે અને અહેમદ પટેલ પણ નથી. સરકાર પર નિશાન સાધતા રાજ્યસભા સાંસદે કહ્યું, તેનો હેતુ શું છે?’ સિંઘવીએ જણાવ્યું હતું કે, 2010નો વ્યવહાર એવા માણસને લગતો છે જે વર્ષોથી જેલના સળિયા પાછળ છે અને 20 થી 30 જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે. આ માણસ (રાણા) પણ મૃતકો પર આક્ષેપો કરી રહ્યો છે અને ભાજપ માત્ર રાજનીતિ કરી રહ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈની કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ત્યારે આ મુદ્દો ગરમાયો હતો. ચાર્જશીટમાં કપૂરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે કપૂરને પ્રિયંકા ગાંધી પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે ‘મજબૂર’ કરી હતી અને પેઇન્ટિંગમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ગાંધી પરિવારે સોનિયા ગાંધીની ન્યૂયોર્કમાં સારવાર કરાવવા માટે કર્યો હતો.
આ પણ વાંચો : Mumbai : પીએમ મોદીને આજે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
આ પણ વાંચો : ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, પીએમ મોદીએ કહ્યું- સખત મહેનત માટે દરેક કાર્યકર્તાનો આભાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો