
30 સપ્ટેમ્બર, 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એક ફ્લાઈટ દરમિયાન કેપ્ટન મચ્છર પર કથિત રીતે તેમના કો-પાયલટે હુમલો કર્યો અને ચપ્પુ મારી દીધું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન મચ્છરે વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું અને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી ક્રૂ અને મુસાફરોને મદદ કરવાનો મોકો મળ્યો. તેમના બહાદુરીભર્યા કાર્યએ વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવ્યા. આ પછી વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવ્યું.
મેનકાઈન્ડ ફાર્માએ ટ્વીટ કરીને માહિતી આપી અને લખ્યું કે, ‘કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના પહેલાં પોતાના ક્રૂ અને દરેક મુસાફરનું ધ્યાન રાખ્યું. આ જ સાચી લીડરશીપ છે. આભાર વ્યક્ત કરવાના એક નમ્ર પ્રયાસ તરીકે, મેનકાઈન્ડ ફાર્મા તેમને અને તેમના પરિવારને ₹1 કરોડ આપી રહી છે. તમે ભારતનું માન વધાર્યું છે. અમે તમને સલામ કરીએ છીએ.’
આ પહેલની માહિતી મેનકાઈન્ડ ફાર્માના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી. આ સાથે કંપનીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જુનેજાનો એક વ્યક્તિગત પત્ર પણ શેર કરવામાં આવ્યો, જેમાં દેશનું માન વધારવા માટે પાયલટના વખાણ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે (Isaac Herzog) પણ ટ્વીટ કરીને કહ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર… અમે તમને સલામ કરીએ છીએ! ગઈકાલે રાત્રે ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ (@indemtel) દ્વારા આયોજિત ‘ઈન્ડિયન જ્યુઝ એન્ડ ઈન્ડિયા-ઈઝરાયેલ ફેસ્ટિવલ’ (Indian Jews & India-Israel Festival) પર રાષ્ટ્રીય સંમેલનમાં આ ખાસ સંદેશ શેર કરવો મારા માટે બહુ સન્માનની વાત હતી.