
દિવાળી પહેલાં સુપ્રીમ કોર્ટમાં ફટાકડા પર પ્રતિબંધ અને નિયમન સંબંધિત મહત્વપૂર્ણ અરજીઓ પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ફટાકડા પર ન તો સંપૂર્ણ પ્રતિબંધ લાદશે અને ન તો તેના બેરોકટોક ઉપયોગની મંજૂરી આપશે. અદાલતે તહેવારો દરમિયાન લોકોની ધાર્મિક લાગણીઓ તેમજ બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની વિપરીત અસર વચ્ચે સંતુલન સાધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.એમ. સુંદરેશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ન તો અમે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તમારી માંગ સ્વીકારીશું અને ન તો લોકોને 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ આપીશું. તેના બે મુખ્ય કારણો છે: પ્રથમ, સંપૂર્ણ પ્રતિબંધ લાદવાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. બીજું, આખો દિવસ ફટાકડા ફોડવાની મંજૂરી આપવાથી વૃદ્ધો, દર્દીઓ, બાળકો સહિત તમામ જીવસૃષ્ટિ પર અત્યંત માઠી અસર પડી શકે છે. આવી સ્થિતિમાં અમારે એવો મધ્યમ માર્ગ શોધવો પડશે જેમાં ફટાકડા ફોડવાનો ચોક્કસ સમય અને કેવા પ્રકારના ફટાકડા વાપરી શકાય તે નક્કી કરી શકાય.”
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠ ‘અર્જુન ગોપાલ વિરુદ્ધ ભારત સરકાર’ કેસની સુનાવણી કરી રહી હતી. આ અરજી 3 સગીર બાળકો દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ફટાકડાથી સ્વાસ્થ્ય સામે ઊભા થતા જોખમો દર્શાવીને વાયુ પ્રદૂષણ રોકવા કડક નિયંત્રણો મૂકવાની માંગ કરાઈ હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારના એ પ્રસ્તાવ પર વિચારણા હાથ ધરી હતી, જેમાં કેટલીક શરતો સાથે લૂમવાળા ફટાકડા (સીરીઝ ક્રેકર્સ) ના ઉત્પાદન અને પર્યાવરણીય ચકાસણીને આધીન ‘ગ્રીન ફટાકડા’ માં બેરિયમના ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. અદાલતે નવી પેઢીના લૂમવાળા ફટાકડાને કડક શરતો સાથે વાપરવાની કેન્દ્રની ભલામણને સૈદ્ધાંતિક રીતે ગ્રાહ્ય રાખી છે.
આ શરતોમાં ફટાકડાની સંખ્યા, તેના શેલ (ગોળા) નું કદ અને સતત ફૂટતા ફટાકડા વચ્ચેનો સમયગાળો (Time Interval) નક્કી કરવાનો સમાવેશ થાય છે. આ ભલામણો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ટેકનિકલ નિષ્ણાતો અને હિતધારકો સાથે પરામર્શ કરીને રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અવાજ, વાયુ પ્રદૂષણ અને ઘન કચરાની સમસ્યાને કારણે સુપ્રીમ કોર્ટે વર્ષ 2018 માં લૂમવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.
અદાલતે સ્પષ્ટ કર્યું કે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના નિયમો અંગેનો મામલો અત્યારે સ્થગિત રાખવામાં આવ્યો છે, કારણ કે ‘એમ.સી. મહેતા વિરુદ્ધ ભારત સરકાર’ કેસમાં દિલ્હી-એનસીઆર માટે અલગ પ્રક્રિયા પહેલાંથી જ પેન્ડિંગ છે.
એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે CSIR-NEERI ના સૂચનો મુજબ નિર્ધારિત શરતો લાગુ કરાશે, જેનાથી પાર્ટિક્યુલેટ મેટર (PM) નું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે અને અવાજ 125 ડેસિબલથી વધુ નહીં રહે. જોકે, અરજદારો તરફથી એડવોકેટ પૂજા ધરે આ પ્રસ્તાવનો સખત વિરોધ કરતાં દલીલ કરી કે દિવાળી દરમિયાન પરાળી સળગાવવાની મોસમ પણ હોય છે, જેથી બે દિવસમાં ભારે પ્રદૂષણ ફેલાય છે. તેમણે અગાઉ અદાલતે આપેલા સમયમર્યાદાના નિર્દેશોનું પણ જમીની સ્તરે ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ કરી હતી.
કેન્દ્ર સરકારે ‘જનરેશન 2 ગ્રીન ક્રેકર્સ’ માં બેરિયમની માત્રાની ચકાસણી કરવા માટે દિલ્હી, ભોપાલ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ચાર શહેરોમાં આઉટડોર ટેસ્ટિંગ પૂર્ણ કરવા વધુ સમય માંગ્યો છે. ASG ભાટીએ આઉટડોર ટેસ્ટિંગના રિપોર્ટ રજૂ કરવા માટે 15 ઓક્ટોબર સુધીની મુદત માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ વિનંતી સ્વીકારીને હવે આ મામલે આગામી સુનાવણી 15 ઓક્ટોબર ના રોજ નક્કી કરી છે. આ સુનાવણીમાં બેરિયમના ઉપયોગ અંગેનો આખરી નિર્ણય આઉટડોર ટેસ્ટિંગના પરિણામો પરથી લેવાશે.