Breaking News : રાજ્યસભાની 10 રાજ્યોની 37 બેઠકો પરની ચૂંટણીના પરિણામ જાહેર થયા, NDAનો દબદબો જોવા મળ્યો, જાણો સમગ્ર પરિણામ

બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભાની કુલ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)એ દબદબો જમાવ્યો છે. કેટલાક રાજ્યોમાં થયેલા ક્રોસ વોટિંગના કારણે NDAને મોટો ફાયદો થયો અને મોટાભાગની બેઠકો તેના ખાતામાં ગઈ.

Breaking News : રાજ્યસભાની 10 રાજ્યોની 37 બેઠકો પરની ચૂંટણીના પરિણામ જાહેર થયા, NDAનો દબદબો જોવા મળ્યો, જાણો સમગ્ર પરિણામ
| Updated on: Mar 17, 2026 | 8:26 AM

બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભાની કુલ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)એ દબદબો જમાવ્યો છે. કેટલાક રાજ્યોમાં થયેલા ક્રોસ વોટિંગના કારણે NDAને મોટો ફાયદો થયો અને મોટાભાગની બેઠકો તેના ખાતામાં ગઈ. રાજ્યસભાની કુલ 37 બેઠકોમાંથી ઘણા સભ્યો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બિહાર, ઓડિશા અને હરિયાણાની 11 બેઠકો માટે મતદાન થયું હતું.

બિહારમાં પાંચેય બેઠકો NDAના ખાતામાં

બિહારમાં NDAએ પાંચેય બેઠકો જીતી લીધી. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર ફરી રાજ્યસભામાં ચૂંટાયા. તેમની સાથે નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી રામ નાથ ઠાકુર, રાષ્ટ્રીય લોક મોરચાના નેતા ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપના શિવેશ કુમાર પણ વિજેતા બન્યા. બીજી તરફ વર્તમાન સાંસદ અમરેન્દ્ર ધારી સિંહને પરાજયનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવએ AIMIM અને BSPના ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.

ઓડિશામાં ભાજપે ત્રણ બેઠકો જીતી

ઓડિશામાં ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. ક્રોસ વોટિંગના કારણે ભાજપને ત્રણ બેઠકો મળી. ભાજપના રાજ્ય પ્રમુખ મનમોહન સામલ, રાજ્યસભાના વર્તમાન સભ્ય સુજીત કુમાર અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર દિલીપ રાય વિજેતા બન્યા. જ્યારે બીજુ જનતા દળના સંત્રુપ્ત મિશ્રા એક બેઠક જીતવામાં સફળ રહ્યા. આ ચૂંટણીમાં બીજેડીના ઉમેદવાર દત્તેશ્વર હોટાને હારનો સામનો કરવો પડ્યો.

હરિયાણામાં કડક ટક્કર

હરિયાણાની બે બેઠકો માટે ચૂંટણી દરમિયાન ભારે રાજકીય તણાવ જોવા મળ્યો. મતદાન ગુપ્તતાના ભંગના આરોપોને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. અંતે ભાજપના સંજય ભાટિયા વિજેતા બન્યા, જ્યારે કોંગ્રેસના કરમવીર સિંહ બૌધએ ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર સતીશ નંદલને માત્ર ત્રણ મતના અંતરથી હરાવી જીત મેળવી.

અન્ય રાજ્યોમાં બિનહરીફ જીત

કેટલાક રાજ્યોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના છ ઉમેદવારો અને એનસીપીના નેતા શરદ પવાર બિનહરીફ ચૂંટાયા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ચાર ઉમેદવારો અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રાહુલ સિંહા બિનહરીફ ચૂંટાયા. તેલંગાણામાં કોંગ્રેસના અભિષેક સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડી રાજ્યસભામાં પહોંચ્યા.

તમિલનાડુમાં AIADMK, PMK, DMK અને કોંગ્રેસના કુલ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના અનુરાગ શર્મા રાજ્યસભા માટે ચૂંટાયા, જેમને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે.

આ રીતે રાજ્યસભાની આ ચૂંટણીમાં NDAએ ખાસ કરીને બિહાર અને ઓડિશામાં મજબૂત પ્રદર્શન કરીને રાજકીય રીતે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

આ પણ વાંચો- Breaking news: ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હલચલ, જાણો ચાર મહાનગરોમાં આજના નવા રેટ