
નીટ પીજી કટ-ઓફ ઘટાડીને -40 ગુણ કરવો યોગ્ય છે કે નહીં? તે અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. ન્યાયાધીશ પામિદિઘંટમ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં એડમિઇશન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોર્ટે અનામત શ્રેણીઓ માટે 0th પર્સન્ટાઇલ (-40 ગુણ) કટ-ઓફ પર નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું, “આ ધોરણોનો મામલો છે. શું તેમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે?”
આ કેસમાં રેગ્યુલર ડોકટરોની લાયકાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “આ પદ્ધતિ કેમ અપનાવવામાં આવી તે જોઈને અમને આશ્ચર્ય થયું છે. આ બધા નિયમિત ડોકટરો છે.” જવાબમાં, વકીલે સમજાવ્યું કે આ નિર્ણય અનુસ્નાતક બેઠકો ન ખાલી રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ 13 જાન્યુઆરીના રોજ NEET PG કાઉન્સેલિંગ માટે કટ-ઓફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. રિવાઈઝ્ડ ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા (સુધારેલા લાયકાત માપદંડ) NEET-PG 2025-26 માટે કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ પર લાગુ પડે છે. સૌથી આશ્ચર્યજનક ફેરફાર SC, ST અને OBC શ્રેણીઓ માટે છે, જ્યાં લાયકાત ટકાવારી 40મા પર્સેન્ટાઈલથી ઘટાડીને શૂન્ય પર્સેન્ટાઈલ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 800 માંથી માઈનસ 40 મેળવનારાઓ પણ મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરી શકે છે. આ સુધારેલા કટ-ઓફ સ્કોરે સહુ કોઈને ચોંકાવી દીધા છે.
વધુમાં, જનરલ અને EWS ઉમેદવારો માટે, ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ 50થી ઘટાડીને 7 મ પર્સેન્ટાઈલ કરવામાં આવી છે, જેનાથી કટ-ઓફ સ્કોર 276 થી ઘટાડીને 103 થઈ ગયો છે. જનરલ PwD ઉમેદવારો માટે, કટ-ઓફ 45માથી ઘટાડીને 5મા પર્સેન્ટાઈલ કરવામાં આવ્યો છે, જેનાથી સ્કોર 255 થી ઘટાડીને 90 કરવામાં આવ્યો છે.
NEET PG કટ-ઓફને માઈનસ 40 ગુણ સુધી ઘટાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર હરિશરણ દેવગન, ન્યુરોસર્જન સૌરભ કુમાર, ડૉ. લક્ષ્ય મિત્તલ (પ્રમુખ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ), અને ડૉ. આકાશ સોની (સભ્ય, વર્લ્ડ મેડિકલ એસોસિએશન) એ PIL દાખલ કરી હતી. શુક્રવારે અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે NEET PG 2025-26 માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ ટકાવારીમાં ઘટાડા અંગે કેન્દ્ર અને NBEMS પાસેથી જવાબ માંગ્યો. કોર્ટે બોર્ડને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.
સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી કે આ સ્ટેન્ડર્ડ (ધોરણો)નો મામલો છે, અને સવાલ એ છે કે શું તે ધોરણો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. બેન્ચે સંકેત આપ્યો કે કોર્ટ તપાસ કરશે કે શું નિર્ણય ‘સંપૂર્ણપણે અયોગ્ય’ હતો કે નહીં.
Published On - 6:23 pm, Fri, 6 February 26