Breaking News : ધૂળના વાવાઝોડા સાથે વરસાદનો ડબલ હુમલો! ગુજરાત-દિલ્હી સહિત 11 રાજ્યોમાં એલર્ટ

ગુજરાત, દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યમાં અચાનક વરસાદ અને તેજ પવનથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ સાથે વધુ વરસાદની આગાહી કરી છે.

Breaking News : ધૂળના વાવાઝોડા સાથે વરસાદનો ડબલ હુમલો! ગુજરાત-દિલ્હી સહિત 11 રાજ્યોમાં એલર્ટ
Image Credit source: Social Media
| Updated on: Mar 19, 2026 | 8:41 AM

ગુજરાત, દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં એક વખત ફરી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેજ પવન અને કમોસમી વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી બે દિવસ માટે દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન અંગે યેલો એલર્ટ જાહેર કર્યો છે.

ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદનું અલર્ટ

હવામાન વિભાગના અનુમાન મુજબ, આ પરિસ્થિતિ પાછળ મુખ્ય કારણ વાતાવરણમાં સર્જાયેલી અસ્થીરતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આડઅસર છે. જેના કારણે ગુજરાતના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેનાથી તાપમાન વધુ નીચે આવી શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આ મોસમી ફેરફારનો વધુ પ્રભાવ જોવા મળવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની શક્યતા છે, જ્યારે રાત્રે પણ ઠંડકનો અનુભવ થઈ શકે છે.

દેશની રાજધાનીમાં કમોસમી વરસાદની અસર

દિલ્હીમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા વરસાદ અને તેજ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ  સિસ્ટમના પ્રભાવને કારણે આગામી બે દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનની અસર યથાવત રહી શકે છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક શહેરો અને તાલુકાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વધુ છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ છે.

અન્ય રાજ્યોમાં વરસાદનું અલર્ટ

આ સાથે જ હરિયાણાના અનેક જિલ્લાઓ માટે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નરવાણા, જિંદ, પાણીપત, હિસાર, રોહતક, ભિવાની, સોનીપત, રેવાડી, મહેન્દ્રગઢ, નારનૌલ, નૂહ, પલવલ, ઝઝ્જર અને ચરખી દાદરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

વાતાવરણમાં આ અસ્થિરતા માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત નથી. પશ્ચિમ હિમાલયી વિસ્તારોમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ ધૂળના વાવાઝોડા સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભેજના પ્રભાવને કારણે અલગ અલગ પ્રકારની વરસાદી પરિસ્થિતિઓ સક્રિય થઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને ગાજવીજ અને તેજ પવન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જરૂરી ગણાવવામાં આવ્યું છે.

Breaking News : અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે આંધી જેવો માહોલ, અનેક વિસ્તારોમાં ભારે વેગ સાથે ફૂંકાયો પવન, જુઓ Video

Follow Us