Breaking News : ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટવાથી આસામ અને બંગાળના જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર, લોકોને ઘર છોડવાની અપીલ
આસામ (Assam)અને બંગાળ (Bengal)ના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પૂરના પાણીના પ્રવાહ અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સંભવિત જોખમનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

ભૂટાનમાં તળાવ ફાટવાના અહેવાલો (GLOF) સામે આવ્યા છે, જેના કારણે ભારતમાં વહેતા પાણીમાં અચાનક વધારો થવાની ચિંતા વધી છે. ભારત સરકારે પશ્ચિમ બંગાળ અને આસામ (Assam)ના કેટલાક ભાગો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં સંકોશ નદીના પાણીના સ્તરમાં અચાનક અને નોંધપાત્ર વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે. આસામના ધુબરી જિલ્લા ઉપરાંત, દાર્જિલિંગ ટેકરીઓ અને અલીપુરદુઆર અને જલપાઇગુડી જિલ્લાઓ સહિત ઉત્તર બંગાળના કેટલાક ભાગો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
નદી કિનારે રહેતા લોકોને ચેતવણી
આ ઘટના ગુરુવારે સાંજે ભૂટાનના ગાસા જિલ્લાના લુંગો (લાયા ગેવોગ) માં વાકિલા પર્વત નીચે સ્થિત શિન્ટાફુ તળાવમાં બની હતી. નદી કિનારે રહેતા લોકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ શિફટ કરવામાં આવ્યા છે. શિન્ટાફુ તળાવ ભૂટાનના 17 તળાવોમાંથી એક છે. જેને સંભવિત જોખમી માનવામાં આવે છે.
નેશનલ સેન્ટર ફોર હાઇડ્રોલોજી એન્ડ મીટીરોલોજી (NCHM) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટાક્તસીમાખાંગમાં પાણીના સ્તરનું નિરીક્ષણ સ્ટેશન છે, પરંતુ જ્યારે શરૂઆતના અહેવાલો આવ્યા ત્યારે કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. તળાવ ફાટવાનું પ્રમાણ અને નીચાણવાળા વિસ્તારો પર તેની અસર સ્પષ્ટ નથી.
ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) શું છે?
જ્યારે ગ્લેશિયરો ઓગળવાથી તળાવમાં પાણી અચાનક બહાર નીકળી જાય છે.ઘણીવાર કુદરતી અવરોધ (બંધ) તૂટવા અથવા નબળા પડવાને કારણે થાય છે, જેને GLOF કહેવામાં આવે છે. આના કારણે પર્વતીય ખીણોમાંથી પાણીનો ઝડપી પ્રવાહ વહે છે, વસાહતો, રસ્તાઓ, પુલો અને ખેતીની જમીનને નુકસાન પહોંચાડે છે.
શિન્ટાફુ તળાવ ભૂટાનના પુનાત્સાંગચુ નદીના તટપ્રદેશમાં આવેલું છે. ભારતમાં પ્રવેશ્યા પછી, નદીને સંકોશ નદી તરીકે ઓળખવામાં આવે છે. તેથી, તળાવમાંથી અચાનક પાણી છોડવું એ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે.આ સ્થિતિને જોઈ ભારતે ચેતવણી આપી છે કે, પુનાત્સાંગચુ નદીના ઉપરના વિસ્તારમાં આવેલા અચાનક પુરના કારણે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લા અને આસામના ધુબરી જિલ્લામાં જળસ્તર અચાનક વધી શકે છે.
