
કેન્દ્ર સરકારે ઘરેલુ રસોઈ ગેસના પુરવઠા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર હવે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન ધરાવતા ઘરોને સબ્સિડીવાળા LPG સિલિન્ડર રાખવાની અથવા નવા લેવા માટે મંજૂરી નહીં મળે.
સરકારે આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા પુરવઠા પર પડતા પ્રભાવને ધ્યાનમાં રાખીને લીધો છે. હાલની પરિસ્થિતિમાં ઊર્જા સપ્લાય સતત અને સમાન રીતે ઉપલબ્ધ રહે તેમજ સબ્સિડીનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું સરકારનું કહેવું છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે Essential Commodities Act, 1955 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને “Liquefied Petroleum Gas (Regulation of Supply and Distribution) Amendment Order, 2026” જાહેર કર્યો છે. આ સુધારામાં વર્ષ 2000થી અમલમાં રહેલા LPG પુરવઠા અને વિતરણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી PNG કનેક્શન ઉપલબ્ધ છે તો તે વ્યક્તિ ઘરેલુ LPG કનેક્શન રાખી શકશે નહીં અને સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ અથવા તેમના વિતરણકારો પાસેથી LPG સિલિન્ડરનું રિફિલ પણ લઈ શકશે નહીં.
જે ગ્રાહકો પાસે હાલમાં PNG અને LPG બંને કનેક્શન છે, તેમને તરત જ પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. સાથે જ નવા નિયમો અનુસાર PNG વાપરતા લોકો ભવિષ્યમાં LPG કનેક્શન માટે અરજી પણ કરી શકશે નહીં.
આ બદલાવના કારણે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ પણ એવા ગ્રાહકોને LPG કનેક્શન આપી નહી શકે કે જેમને પહેલેથી PNG ગેસની સુવિધા ઉપલબ્ધ છે. LPG સપ્લાય નિયમોના શેડ્યૂલ-1 હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રતિબંધિત શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ LPGના વિતરણને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે. સાથે જ જે વિસ્તારોમાં હજુ PNG નેટવર્ક પહોંચ્યું નથી એવા ઘરોને સબસિડી યુક્ત રસોઈ ગેસ સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનું પણ મહત્વપૂર્ણ કારણ છે.
“No person having a Piped Natural Gas connection and also having domestic LPG connection shall retain a domestic LPG connection, or take refills of domestic LPG cylinders from any Government oil company, or through their distributors. Such persons will be required to immediately… pic.twitter.com/TgSMHzfD7F
— Press Trust of India (@PTI_News) March 14, 2026
આ નિર્ણય ઊર્જા પુરવઠા પર પડતી વૈશ્વિક અસરના પરિપ્રેક્ષ્યમાં લેવામાં આવ્યો છે. ખાસ કરીને Hormuz Strait વિસ્તારમાં ઊભી થતી અવરોધની શક્યતાઓને ધ્યાનમાં રાખીને LPGના ઉપયોગને વધુ પ્રાથમિકતા સાથે વહેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આંકડાઓ મુજબ ભારતે નાણાકીય વર્ષ 2025 દરમિયાન લગભગ 33 મિલિયન ટન LPG વાપર્યું હતું. જેમાંથી લગભગ 20.67 મિલિયન ટન LPG આયાત કરવામાં આવ્યું હતું. તેમાં પણ અંદાજે 90 ટકા આયાત પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી આવી હતી અને તેનો મોટો ભાગ Hormuz Strait જેવા મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ પરથી પસાર થાય છે.
સરકાર હવે ઘરેલુ વપરાશ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને LPG પુરવઠામાં પ્રાથમિકતા આપવા પર ધ્યાન આપી રહી છે. સાથે સાથે દેશની રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવા અને તૈયાર ગેસ મુખ્યત્વે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને પુરવઠો કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
નવી ગેસ નીતિથી ભવિષ્યમાં LPGના વિતરણમાં વધુ સંતુલન આવશે અને જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ નથી એવા લાખો ઘરોને સબ્સિડીવાળો રસોઈ ગેસ વધુ સરળતાથી મળી શકશે એવી સરકારને આશા છે.