
પશ્ચિમ બંગાળના દીધા બીચ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરિયાકિનારે એક માતા પોતાની દીકરી સાથે ખડક પર બેસીને ફોટા પડાવી રહી હતી. આ દરમિયાન અચાનક દરિયામાંથી વિશાળ મોજું આવ્યું અને બંનેને પોતાની સાથે દરિયામાં ખેંચી ગયું હતું.
જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં માતાએ સમજદારી અને હિંમત બતાવી હતી. તેણે એક ક્ષણ માટે પણ પોતાની દીકરીનો હાથ છોડ્યો નહોતો અને તેને મજબૂતીથી પકડી રાખી હતી. માતાની આ સતર્કતા અને હિંમતને કારણે બંનેનો જીવ બચી શક્યો હતો.
ઘટના દરમિયાન આસપાસ હાજર લોકોએ પણ તાત્કાલિક મદદ માટે દોડી જઈ બંનેને સુરક્ષિત રીતે દરિયાકિનારે બહાર કાઢ્યાં હતાં. સદનસીબે આ ઘટનામાં માતા અને દીકરી બંનેનો બચાવ થયો હતો.
આ ઘટના દરિયાકિનારે ફરવા જતા લોકો માટે ચેતવણી સમાન છે. દરિયાનાં મોજાંની તાકાતને ક્યારેય ઓછી આંકવી જોઈએ નહીં. માત્ર સારા ફોટા કે સેલ્ફી લેવા માટે જીવ જોખમમાં મૂકવો યોગ્ય નથી.
ખાસ કરીને જ્યાં ઊંચાં અને જોખમી મોજાં ઉછળતાં હોય ત્યાં ખડકો કે દરિયાની નજીક બેસીને ફોટા પડાવવાનું ટાળવું જોઈએ. દરિયાકિનારે હંમેશાં સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્રની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો, Breaking News : જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી, સમયસૂચકતાથી ચાલકનો બચ્યો જીવ ! જુઓ Video