સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે જો કોઈ પ્રેમી લગ્ન કરવાનો ઇનકાર કરે અને બ્રેકઅપ પછી યુવતી આપઘાત કરી લે, તો પ્રેમી યુવક સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો (દુષ્પ્રેરણનો) કેસ ચાલી શકે નહીં. સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ ત્યારે જ ચલાવી શકાય જ્યારે તેના નક્કર પુરાવા હોય. કોર્ટે વધુમાં ઉમેર્યું કે બ્રેકઅપનું પરિણામ આત્મહત્યા હોઈ શકે છે, પરંતુ એ અગાઉથી કેવી રીતે ખબર પડે કે આવું જ થશે?
આ મામલો તેલંગાણા સાથે જોડાયેલો છે. અહીં એક યુવતીએ ત્યારે આત્મહત્યા કરી લીધી જ્યારે તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત કેસમાં પ્રેમી અને તેના પરિવારના અન્ય 5 સભ્યો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. તેલંગાણા હાઈકોર્ટે સાક્ષીઓ અને પુરાવાઓને આધારે યુવકના પરિવારને દોષિત માન્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જ્યાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું કહેવાયું?
- લાઈવ લો મુજબ, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તમામ પુરાવા અને સાક્ષીઓ દર્શાવે છે કે બ્રેકઅપ પછી યુવતીએ આત્મહત્યા કરી હતી, પરંતુ આનાથી એ સાબિત નથી થતું કે યુવકે તેને આમ કરવા માટે ઉશ્કેરી હતી.
- કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું— લગ્ન માટે ઇનકાર કરવો અને બ્રેકઅપ કરવું એ એક બાબત છે, જ્યારે આપઘાત માટે ઉશ્કેરવું એ તદ્દન અલગ બાબત છે. બ્રેકઅપને સીધેસીધું જ આત્મહત્યા માટે ઉશ્કેરણી માની શકાય નહીં.
- બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી કે યુવકે બ્રેકઅપ પછી યુવતીને આત્મહત્યા કરવા પ્રેરિત કરી હતી. આ અવલોકન સાથે સર્વોચ્ચ અદાલતે યુવક અને તેના પરિવાર વિરુદ્ધ નોંધાયેલો કેસ રદ કર્યો હતો.
3 મહિના સુધી બંને રિલેશનશિપમાં હતા
- સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આત્મહત્યા કરતાં પહેલાં મૃતક યુવતી પોતાના પ્રેમી સાથે લગભગ 3 મહિના સુધી સંબંધમાં રહી હતી. બાદમાં પ્રેમીની માતાએ આ લગ્ન સ્વીકારવાની ના પાડી દેતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.
- સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બ્રેકઅપ સમયે યુવકને અંદાજ નહોતો કે યુવતી આવું પગલું ભરી લેશે. NCRB ના આંકડા મુજબ, 2024માં ભારતમાં કુલ 1,70,746 આત્મહત્યાઓ નોંધાઈ હતી, જેમાંથી 7,850 આત્મહત્યાઓ પ્રેમ સંબંધો સાથે જોડાયેલી હતી.
Health Tips and Tricks : નહાયા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહીં અને શું પાણી પીવાનો પણ સાચો સમય હોય છે?