Breaking News : એરબેઝ વિના પણ દુશ્મનો ઉપર ત્રાટકશે વાયુસેના, મિશન રેડી-ફ્યુચર રેડીના સ્લોગન સાથે ભારતીય સેનાએ શેર કર્યો વીડિયો
ભારતીય સેનાએ, દુશ્મનના દાંત ખાટા કરી શકે તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે કરાયેલ કવાયતમાં, એરપોર્ટ કે એરબેઝ વિના પણ વાયુસેનાના લડાકુ હેલિકોપ્ટરને લેન્ડ અને ટેકઓફ કરતા દર્શાવ્યા છે. આ એક વીડિયોથી ભારતીય સેનાએ દુશ્મનને અંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે, એરપોર્ટ કે એરબેઝ વિના પણ ભારતના દરેક ખૂણેથી વાયુસેના હુમલો કરવા સદાય તૈયાર છે.

ભારતીય સેનાએ બિકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક NH-911 પર હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેક-ઓફની કવાયત હાથ ધરી હતી. આ કવાયતનો ઉદ્દેશ્ય લશ્કરી ગતિશીલતા અને ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓને વધારવાનો હતો, જેથી પરંપરાગત એરબેઝની ગેરહાજરીમાં પણ દુશ્મન સામેની કામગીરી ચાલુ રાખી શકાય.
ભારતીય સેનાએ રાજસ્થાનના બિકાનેરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પોતાની હવાઈ કામગીરીની ક્ષમતા અને લશ્કરી ગતિશીલતાનું પ્રદર્શન કર્યું. NH-911 ના એક હિસ્સાનો કામચલાઉ રનવે તરીકે ઉપયોગ કરીને, સેનાના હેલિકોપ્ટરો, જેવા કે રુદ્ર, ધ્રુવ (ALH) અને ચેતક ને હાઈવે પરથી સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યા હતા. એટલુ જ નહીં રુદ્ર, ધ્રુવ (ALH) અને ચેતકને ટેક-ઓફ પણ કરાવ્યા હતા.
આ કવાયતનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો હતો કે, જરૂર પડ્યે લશ્કરી હેલિકોપ્ટર પરંપરાગત એરબેઝ કે એરપોર્ટ સિવાય પણ હાઈવે અને અન્ય વૈકલ્પિક સ્થળોએથી પણ દુશ્મન સામે કામગીરી કરી શકે છે. કવાયત દરમિયાન, રુદ્ર, ધ્રુવ (ALH) અને ચેતક હેલિકોપ્ટરોએ હાઈવે પર દિલ ધડક કામગીરી કરી હતી. રણ વિસ્તારની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે હાથ ધરવામાં આવેલી આ તાલીમ સેનાની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, હવાઈ-જમીન સંકલન અને કામગીરીને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી.
Mission Ready Future Ready
Rudra, Dhruv and Chetak helicopters of #SaptaShaktiCommand demonstrated exceptional operational agility during an exercise near the western border, including landings on National Highways.
The exercise showcased rapid response, situational awareness and versatility of dual-use infrastructure for enhanced operational readiness.
Adapt. Innovate. Transform.
#JAIseVIJAY @DefenceMinIndia @SpokespersonMoD @SWComd_IA
— ADG PI – INDIAN ARMY (@adgpi) September 29, 2026
કવાયતનું મહત્વ
આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં આવી કવાયત ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે કટોકટીના સમયે, જ્યારે મુખ્ય એરબેઝ ઉપલબ્ધ ન હોય અથવા ત્યાંથી કામગીરી કરવી શક્ય ન હોય, ત્યારે વૈકલ્પિક લેન્ડિંગ ઝોન અને રોડ નેટવર્કનો ઉપયોગ કરી શકાય છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ કવાયત મિશનની સજ્જતા, લશ્કરી ગતિશીલતા અને સરહદી વિસ્તારોમાં સૈનિકો અને હવાઈ સંસાધનોને ઝડપથી તૈનાત કરવાની ક્ષમતાને મજબૂત બનાવે છે.
દંતૌર નજીક NH-911 પર કવાયત યોજાઈ
આ કવાયતમાં ચોકસાઈપૂર્વક ઉડાન કામગીરી, હવાઈ-જમીન સંકલન, લશ્કરી ગતિશીલતા અને મિશનની સજ્જતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કવાયતે હાઈવેના નિર્ધારિત હિસ્સા પર સુરક્ષિત રીતે હેલિકોપ્ટર ઉતારવાની, ટૂંકા અંતરાલ પછી ફરીથી ઉડાન ભરવાની અને સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડવાની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું. દંતૌર નજીક NH-911 પર યોજાયેલી આ કવાયત લશ્કરી સજ્જતાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી. બિકાનેરનો દંતૌર વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલો છે; પરિણામે, આ વિસ્તારમાં સેનાની હાઈવે પર ઉતરાણ કરવાની કવાયતને એક મહત્વપૂર્ણ સૈન્ય અભ્યાસ તરીકે જોવામાં આવી રહી છે.
