ત્રિપુરામાં ભાજપની જનવિશ્વાસ યાત્રા, ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી બતાવી કરાવશે પ્રયાણ
પાર્ટીએ પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે 200 મીટિંગો, 100 પદયાત્રાઓ અને 50 રોડ શો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે માધ્યમથી 10 લાખ લોકોને જોડવા માટેનો ભાજપનો પ્રયાસ છે.
આગામી વર્ષે ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 5 જાન્યુઆરીએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રથયાત્રાને ફ્લેગ ઓફ કરશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે 8 દિવસની આ યાત્રાને ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગરથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્યએ કહ્યું કે શાહ એ જ દિવસે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ ખાતે રેલીને સંબોધશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા યાત્રાના અંતિમ દિવસે 12 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપશે.
ભાજપની રાજ્ય સમિતિએ ત્રિપુરાના મુખ્ય પ્રધાન ડૉ. માણિક સાહા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઈરાની, પ્રતિમા ભૌમિક અને સર્બાનંદ સોનોવાલ સહિત દસ નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે યાત્રામાં જોડાવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.
ભાજપની યાત્રા 1000 કિલોમીટરનું અંતર કાપશે
શિડ્યુલ મુજબ ઉત્તર ત્રિપુરામાં શરૂ થનારી રથયાત્રા ધર્મનગરથી સવારે 11 વાગ્યે શરૂ થશે જ્યારે દક્ષિણ ત્રિપુરાથી શરૂ થનારી રથયાત્રા બપોરે 2 વાગ્યે સબરૂમથી શરૂ થશે. ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે યાત્રાના બે તબક્કા રાજ્યના 60 વિધાનસભા મતવિસ્તારોમાંથી 56માંથી પસાર થયા બાદ અંદાજિત 1,000 કિમીનું અંતર કાપશે. બાકીના ચાર મતવિસ્તારોમાંથી અલગ-અલગ રથ કાઢવામાં આવશે જે બાદમાં મુખ્ય યાત્રામાં જોડાશે અને અગરતલા ખાતે ભેગા થશે. આ ચાર મતવિસ્તારો તેમની ભૌગોલિક સ્થિતિને કારણે બે રથના દાયરામાં લાવી શકાયા નથી.
10 લાખ લોકોને ઉમેરવાની યોજના
ભટ્ટાચારીએ એમ પણ કહ્યું કે તેમની પાર્ટીએ પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે 200 મીટિંગો, 100 પદયાત્રાઓ અને 50 રોડ શો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુશાંત ચૌધરીએ કહ્યું કે રાજ્યના ઓછામાં ઓછા 10 લાખ લોકોને જોડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.