આખરે સપ્તાહ બાદ ભાજપના હાઈકમાન્ડે હાથ પર લીધો સીએમ એજન્ડા, આજે છત્તીસગઢના નક્કી કરાશે મુખ્યપ્રધાન
છત્તીસગઢ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ માટે નિરીક્ષકોની નિમણૂક કેન્દ્રીયસ્તરેથી કરવામાં આવી છે, નિરીક્ષકો ધારાસભ્યોની બેઠક લેશે.
મુખ્યમંત્રીના ચહેરાને લઈને છત્તીસગઢમાં ચાલી રહેલા મંથનનો હવે અંત આવી રહ્યો છે. ભાજપે છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. આ દરમિયાન છત્તીસગઢ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ માટે નિરીક્ષકોની નિમણૂક કેન્દ્રીયસ્તરેથી કરવામાં આવી છે, નિરીક્ષકો ધારાસભ્યોની બેઠક લેશે. નિરીક્ષકોની હાજરીમાં યોજાનાર બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. છત્તીસગઢ ભાજપના વિધાનસભા પક્ષની મિટિંગ આજે બપોરે છે.
ભાજપે છત્તીસગઢમાં મુખ્યમંત્રીપદનો ચહેરો નક્કી કરવા નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે. અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ અને દુષ્યંત કુમાર ગૌતમને છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન પસંદ કરવા માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના પ્રભારી ઓમ માથુર, છત્તીસગઢ રાજ્યના સહ-પ્રભારી નીતિન નબીન અને નિયુક્ત નિરીક્ષકો સાથે મળીને બેઠક યોજશે.
આજે 10 ડિસેમ્બરને રવિવારે ત્રણેય નિરીક્ષકો સાથે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. છત્તીસગઢમાં મુખ્યમંત્રીનું નામ કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ દ્વારા ધારાસભ્યોની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
સીએમ ચહેરા માટે આ નામ ચર્ચાઈ રહ્યાં છે
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઘણાબધા નામો ચર્ચામાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાઈ, રામવિચાર નેતામ, અરુણ સાઓ અને ઓપી ચૌધરીના નામ સંભવિત મુખ્યપ્રધાન તરીકે સામેલ છે. જો કે ભાજપનું મોવડી મંડળ હંમેશા ચર્ચામાં રહેતા નામ સિવાયના અન્ય નામની પસંદગી કરતુ આવ્યું છે.
શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે દિગ્ગજ નેતાઓ
ભાજપે પાંચ પૈકી ત્રણ રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીત મેળવી છે. આ ત્રણેય રાજ્યોમાં નિરીક્ષકોના નામ ફણ જાહેર કર્યા છે. નિયુક્ત નિરીક્ષકો ધારાસભ્યો સાથે બેઠક યોજીને મુખ્ય પ્રધાનના નામ અંગે ચર્ચા કરશે. ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. આ પછી ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ કાર્યક્રમ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાન ઉપરાંત ભાજપના સંગઠનના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ત્રણેય રાજ્યોમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અંગે ચર્ચા થઈ રહી છે.