અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પેટ્રોલની અંદર એથેનોલ મિક્સ કરીને ગાડીઓ ચલાવવામાં આવે છે, પરંતુ હવે આ જ એથેનોલ તમારા ઘરના રસોડામાં ગેસ સિલિન્ડરનું સ્થાન લેવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં એવી ક્રાંતિકારી ‘એથેનોલ બેઝ્ડ ચૂલા ટેકનોલોજી’ વિશે વાત કરી છે, જે આગામી સમયમાં રસોઈ બનાવવાના ખર્ચમાં બહુ મોટો ઘટાડો કરી શકે છે.
આ એક એવી એડવાન્સ કુકિંગ ટેકનોલોજી છે, જે એલપીજી સિલિન્ડર કરતાં ઘણી સસ્તી છે અને પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ સાબિત થશે. શેરડી, મકાઈ કે અનાજના કચરામાંથી બનતું આ બાયો-ફ્યુઅલ બળતી વખતે બિલકુલ ધુમાડો પેદા કરતું નથી, જેના કારણે રસોડાના વાસણો પણ કાળા નહીં થાય. યુએન ક્લાઇમેટ ટેકનોલોજી સેન્ટર એન્ડ નેટવર્કના અહેવાલમાં આ નવી ટેકનોલોજીની સફળતા વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.
શું છે એથેનોલ ચૂલો?
એથેનોલ ચૂલો એ રાંધવા માટેની આધુનિક ટેકનોલોજી છે, જે સંપૂર્ણપણે બાયો-ફ્યુઅલ એટલે કે જૈવિક ઇંધણ પર કામ કરે છે. તેને એલપીજી સિલિન્ડરના એક મજબૂત અને સસ્તા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ચૂલો પ્રવાહી (લિક્વિડ) અને જેલ એમ બંને પ્રકારના એથેનોલ ઇંધણથી સળગી શકે છે. આમાં એલપીજી ગેસ જેવી જ તેજ આંચ મળે છે, પરંતુ તેમાં કોઈ ગંધ, ધુમાડો કે રાખ ઉત્પન્ન થતી નથી.
આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
આ ખાસ ચૂલો સસ્ટેનેબલ કમ્બશન ટેકનોલોજી પર કામ કરે છે. આ માટે ચૂલાની અંદર આપેલી ઇંધણ ટેન્કમાં લિક્વિડ અથવા જેલ એથેનોલ ભરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પાણીમાં 7 ટકા એથેનોલ મિક્સ કરીને પણ એલપીજી જેવી જ તેજ જ્યોત પેદા કરી શકાય છે. આ ચૂલાની બનાવટ ઘણી હદ સુધી જૂના કેરોસીન સ્ટવ જેવી હોય છે, પરંતુ તેના પ્રેશર બર્નર ઇંધણનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે, જેથી ઇંધણનો બગાડ થતો નથી.
એલપીજી સિલિન્ડર કરતાં આ ચૂલો કેમ 5 ગણો સારું છે?
નીતિન ગડકરી અને વૈશ્વિક રિપોર્ટના અંદાજ મુજબ, એથેનોલ સ્ટવ સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં ઘણો ફાયદાકારક છે,
- 1 લીટરમાં 15 કલાક સુધી રસોઈ: યુએન ક્લાઇમેટ ટેકનોલોજી સેન્ટરના રિપોર્ટ મુજબ, સુપરબ્લુ એથેનોલ સ્ટવ માત્ર 1 લીટર એથેનોલમાં સતત 15 કલાક સુધી આંચ આપી શકે છે. કાર્યક્ષમતાની બાબતમાં તે એલપીજી કરતાં 5 ગણો વધુ સારો છે.
- ઝડપી રસોઈ અને વધુ તાપમાન: એથેનોલ સળગવા પર 700 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધીની ગરમી પેદા કરે છે. આના કારણે રસોઈ એલપીજી કે કેરોસીન ચૂલા કરતાં ઘણી વધારે ઝડપથી પાકે છે અને સમય બચે છે.
- સુરક્ષાની દ્રષ્ટિએ સો ટકા સેફ: એલપીજી ગેસમાં લીકેજ થવા પર બ્લાસ્ટ કે આગ લાગવાનું મોટું જોખમ રહે છે. તેની સામે એથેનોલ જો જેલના રૂપમાં વાપરવામાં આવે, તો તે નીચે ઢોળાવવા છતાં પણ ગેસની જેમ હવામાં ફેલાતું નથી, જેથી આગ લાગવાનું જોખમ નહિવત રહે છે.
- કાર્બન ન્યુટ્રલ અને ઇકો-ફ્રેન્ડલી: એલપીજી એ અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ) છે જે પર્યાવરણને નુકસાન કરે છે. તેની સામે એથેનોલ કુદરતી પાકોમાંથી બનતું હોવાથી તે સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ છે અને પ્રદૂષણ ફેલાવતું નથી.
એથેનોલ ચૂલાના ગેરફાયદા: રસોડામાં મહિલાઓને પડી શકે છે આ મોટી મુશ્કેલીઓ
જેમ ગાડીઓમાં એથેનોલ મિક્સ પેટ્રોલના કારણે એન્જિન જલ્દી ખરાબ થવા અને વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવાની ફરિયાદો વધી રહી છે, તેવો જ કંઈક ઘાટ રસોડામાં પણ સર્જાઈ શકે છે. એથેનોલ ચૂલો વાપરવામાં સસ્તો જરૂર છે, પરંતુ તેનાથી ગૃહિણીઓને અનેક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે,
- ચૂલો જલ્દી ખરાબ થવાનું જોખમ: એથેનોલ ઇંધણ હવામાં રહેલા ભેજને ખૂબ ઝડપથી પકડી લે છે. આ ભેજના કારણે ચૂલાની આંતરિક સિસ્ટમ અને બર્નરમાં કાટ લાગવાની સમસ્યા સૌથી વધુ નડશે. વાહનોની જેમ જ આ ચૂલાનું મેઇન્ટેનન્સ વારંવાર કરાવવું પડશે અને બર્નર જલ્દી બદલવા પડશે.
- આંચ પર કંટ્રોલ મેળવવામાં મુશ્કેલી: એથેનોલ ખૂબ જ ઝડપથી અને ઊંચા તાપમાને (700-800 °C) સળગે છે. આના કારણે રોટલી શેકવી કે ધીમા તાપે રાખવાની રસોઈ બનાવવામાં મહિલાઓને શરૂઆતમાં ભારે મુશ્કેલી પડશે અને રસોઈ બળી જવાનો ભય રહેશે.
આમ, ટેકનોલોજી જેટલી આકર્ષક લાગે છે, તેનાથી વિપરીત રસોડાના રોજિંદા કામમાં તે મહિલાઓની માથાકૂટ અને મેઇન્ટેનન્સનો ખર્ચ વધારી શકે છે. એથેનોલ પોલિસી અને નીતિન ગડકરીનું ફેમિલી કનેક્શન, સોશિયલ મીડિયા પર શા માટે થઈ રહી છે ચર્ચા?
રસોડામાં અને વાહનોમાં એથેનોલના ઉપયોગના ફાયદા-ગેરફાયદાની વચ્ચે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ એક મોટો રાજકીય અને બિઝનેસ એન્ગલ પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પુત્રની કંપની આ સેક્ટર સાથે સીધી જોડાયેલી હોવાના કારણે વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
- શેરબજારમાં મોટો ઉછાળો: સોશિયલ મીડિયા આક્ષેપ અનુસાર, નીતિન ગડકરીના પુત્ર જે કંપનીના માલિક છે, તેની વેલ્યુએશન અને માર્કેટ વેલ્યુ થોડા વર્ષો પહેલાં ઘણી ઓછી હતી. પરંતુ સરકાર દ્વારા જ્યારથી દેશમાં એથેનોલ પોલિસી અને બ્લેન્ડિંગ પ્રોજેક્ટને આક્રમક રીતે પ્રમોટ કરવામાં આવ્યો, ત્યારથી તે કંપનીના શેર્સમાં જોરદાર તેજી જોવા મળી છે અને રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે.
- શેરડીમાંથી ખાંડ અને એથેનોલનું કનેક્શન: નીતિન ગડકરીના પુત્રની કંપની મુખ્યત્વે શેરડીમાંથી ખાંડ બનાવવાનું કામ કરે છે. ખાંડના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બાય-પ્રોડક્ટ તરીકે મોલાસીસ નીકળે છે, જેમાંથી જ એથેનોલ તૈયાર કરવામાં આવે છે.
- સીધો આર્થિક ફાયદો થવાનો દાવો: ટીકાકારો અને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા પેટ્રોલ અને હવે રસોડાના ચૂલામાં એથેનોલનો વપરાશ વધારવાની જાહેરાતોથી આવી સુગર મિલો અને એથેનોલ બનાવતી કંપનીઓને સીધેસીધો મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. સરકારી નીતિઓના કારણે કંપનીનો બિઝનેસ રાતોરાત ચમકી ગયો હોવાના આક્ષેપો સાથે આ મુદ્દો અત્યારે ભારે ચર્ચામાં છે. સામાન્ય જનતા ભલે પીસાતી, સત્તાધીશોને બસ પોતાનું પૂરું કરવામાં જ રસ છે! લોકોને હિતના નામે માત્ર લોલીપોપ આપીને પીઠ પાછળ ખંજર મારવાની આ રમત હવે ખુલ્લી પડી ગઈ છે.
Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે