વિદ્રોહને ડામવા અંગ્રેજોએ માત્ર ભારતીયો પર અન્યાય અને અત્યાચાર જ ન કર્યા. પરંતુ નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી. ચટગાંવ વિદ્રોહના હીરો એવા ક્રાંતિકારી સૂર્ય સેન સાથે પણ અંગ્રેજોએ આવી જ ક્રૂરતા કરી હતી. તેઓ વંદે માતરમ ન બોલી શકે, તે માટે અંગ્રેજોએ તેમનું જડબું તોડી નાખ્યું. તેમના હાથના નખ ખેંચી લીધા હતા. ભારત માતાના તે બહાદુર પુત્રએ દરેક અત્યાચાર સહન કર્યા, પરંતુ અંગ્રેજોની જોહુકમી ક્યારેય સ્વીકારી નહીં. ફાંસીના એક દિવસ પહેલા જ તેમણે પોતાના મિત્રને લખેલા પત્રમાં આઝાદીની ચળવળને (freedom movement) વધુ તીવ્ર બનાવવાની અપીલ પણ કરી હતી. પત્રમાં તેમણે લખ્યુ હતુ કે, તેઓ પોતાની પાછળ આઝાદીનું સપનુ છોડીને જઈ રહ્યા છે.
મહાન ક્રાંતિકારી સૂર્ય કુમાર સેનનો જન્મ 22 માર્ચ 1894ના રોજ અવિભાજિત બંગાળ (ચટગાંવ હવે બાંગ્લાદેશમાં છે)ના ચટગાંવ જિલ્લાના નોઆપારા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજમોની સેન હતું જેઓ એક શિક્ષક હતા અને માતાનું નામ શીલા બાલા દેવી હતું. તેમની એક અટક સુરજ્યા પણ હતી, જ્યારે પરિવાર તેમને પ્રેમથી કાલુ નામથી બોલાવતો હતો. નોઆપારામાંથી ઉચ્ચ અંગ્રેજી શાળાનો અભ્યાસ કર્યા પછી, સેન બી.એ. કરીને સ્નાતક થયા.
સૂર્યસેન નાના હતા, ત્યારે તેમના માતા અને પિતા મૃત્યુ પામ્યા હતા, તેથી તેમનો ઉછેર તેમના કાકાએ કર્યો હતો. જ્યારે તેઓ BA કરી રહ્યા હતા ત્યારે એક શિક્ષકે તેમને આઝાદીની ચળવળમાં ભાગ લેવાની પ્રેરણા આપી હતી. આની અસર તેમના પર પડી. તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, સેને 1918 માં ચટગાંવના નંદન કાનન વિસ્તારની એક શાળામાં ગણિત શીખવવાનું શરૂ કર્યું. અહીંથી જ તેમને માસ્ટર દા ઉપનામ મળ્યું. ક્રાંતિકારી પ્રવૃતિઓમાં સામેલ થવા માટે તેમણે નોકરી પણ છોડી દીધી.
સૂર્યસેન તેમના ગ્રેજ્યુએશન દરમિયાન તે સમયના સૌથી મોટા ક્રાંતિકારી સંગઠન યુગાંતર જૂથમાં જોડાયા હતા. 1918માં અધ્યાપન સમયે તેમણે સ્થાનિક યુવાનોને સંગઠિત કર્યા. નોકરી છોડ્યા પછી, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની. અંગ્રેજો સાથેના યુદ્ધ માટે શસ્ત્રોની જરૂર હતી જે તેમની પાસે નહોતા તેથી તેમણે અંગ્રેજો સાથે ગેરિલા યુદ્ધ શરૂ કર્યું. 23 ડિસેમ્બર 1923 ના રોજ, તેમણે આસામ-બંગાળ ટ્રેઝરી ઑફિસ લૂંટી અને અંગ્રેજોને ખુલ્લો પડકાર ફેંક્યો. આ પછી અંગ્રેજોએ સૂર્યસેનને શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા.
ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે બળવો જાહેર કર્યો હતો. દેશભરમાં આઝાદીની લહેર વધી રહી હતી. ભારતીય ઈતિહાસ પુસ્તક ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈન્ડિપેન્ડન્સ અનુસાર, સૂર્યસેને તેના સાથીદારો સાથે 1930માં ઈન્ડિયન રિપબ્લિકન આર્મી (આઈઆરએ)ની રચના કરી હતી. ક્રાંતિકારીઓની સાથે તેણે બ્રિટિશ પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કર્યો. ઈતિહાસમાં, આને ચટગાંવ વિદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે, જેના પછી ક્રાંતિકારીઓએ ટેલિફોન એક્સચેન્જ પર હુમલો કર્યો અને અંગ્રેજોને ઘણું નુકસાન પહોંચાડ્યું. ક્રાંતિકારીઓએ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લૂંટી લીધા પરંતુ દારૂગોળો કબજે કરવામાં નિષ્ફળ ગયા.
ચટગાંવ શસ્ત્રાગાર કબજે કર્યા પછી, ક્રાંતિકારીઓ ત્યાં સ્વરાજનો ધ્વજ ફરકાવવામાં સફળ થયા. આ ઘટના પછી, અંગ્રેજો ગુસ્સે થયા અને તેઓએ સૂર્યસેન અને તેના છ સાથીઓને પકડવા બદલ ઈનામની જાહેરાત કરી. સૂર્યસેન ઘણા દિવસો સુધી ભાગતારહ્યા, પરંતુ એક દિવસ તેના સાથી નેત્રા સેને જ તેમને દગો આપ્યો અને અંગ્રેજોને તેમનું સરનામું કહી દીધુ. બ્રિટિશ પોલીસે 16 ફેબ્રુઆરી 1933ના રોજ તેમની ધરપકડ કરી હતી.
તેમની ધરપકડ બાદ સૂર્યસેન જેલમાં વંદે માતરમના સુત્રોચ્ચાર કરતા હતા, આને રોકવા અંગ્રેજોએ તેમના પર અનેક અત્યાચારો કર્યા, તેમના જડબા તોડી નાખ્યા, હાથના નખ ખેંચવામાં આવ્યા. ટ્રાયલમાં તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 1934માં 12 જાન્યુઆરીએ તેને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.
સૂર્યસેનને ચટગાંવ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ જ જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે, 1978માં ભારત અને બાંગ્લાદેશ સરકારે તેમની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. કોલકાતામાં એક મેટ્રો સ્ટેશનનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
Published On - 3:13 pm, Sat, 30 July 22