ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ, મુખ્યપ્રધાને રાજયના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા
રાજયના કુલ 18,215 ગામોમાંથી 13788 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે.
DELHI : કોવિડ-19 રસીકરણમાં ગુજરાતે દેશભરના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ તમ દેખાવ દ્વારા બેસ્ટ વેકસીનેશન કોમ્બેટીંગ કોવિડ-19 નો એવોર્ડ મેળવવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને “ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ 2021” અંતર્ગત આ ગૌરવ સન્માન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ એનાયત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોરોના વેકસીનેશન સાથે સંકળાયેલા રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૌ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરની વયના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકો છે. આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4 કરોડ 21 લાખ 86 હજાર 528 પ્રથમ ડોઝ અને 1 કરોડ 92 લાખ 4 હજાર 611 બીજો ડોઝ મળીને કુલ 6 કરોડ 13 લાખ 91 હજાર 139 ડોઝ આપ્યા છે.
પ્રતિ દસ લાખ રસીકરણમાં પણ બેય ડોઝ મળીને ગુજરાતમાં 6.23 લાખ વેકસીનેશન ડોઝ આપવામાં આવ્યા છે સમગ્ર રાજયના જિલ્લાઓમાં કુલ મળીને 82.7 ટકા તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં 93.9 ટકા ને પ્રથમ ડોઝ અપાઇ ગયા છે. રાજયના કુલ 18,215 ગામોમાંથી 13788 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે.
કોરોના રસીકરણની આટલી વ્યાપક અને સઘન કામગીરીના ફલસ્વરૂપે ગુજરાતે દેશના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ઇન્ડીયા ટુ ડે નો આ એવોર્ડ મેળવ્યો છે. રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડો. નયન જાનીએ આ ગૌરવ સન્માન કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે સ્વીકાર્યું હતું.
ઇન્ડીયા ટુ ડે ગૃપ દ્વારા “હેલ્થગીરી 2021 એવોર્ડ” માં વિશેષ ગૌરવ સન્માન ભારત સરકાર માં સેવારત તત્કાલીન સચિવ અને ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી સ્વ. ગુરૂપ્રસાદ મહાપાત્રાને એકમાત્ર Unsung Hero તરીકે આપવામાં આવ્યું હતું. આ ગૌરવ સન્માન એવા વ્યકિત વિશેષને એનાયત કરવામાં આવે છે જેમણે કોવિડ-19 દરમિયાન નિઃસ્વાર્થ કર્તવ્ય પરાયણતા કોઇપણ પ્રસિદ્ધિ વિના કે જાહેરમાં આવ્યા સિવાય દાખવી હોય. સ્વ.ગુરૂપ્રસાદ મહાપાત્રા આવી કર્તવ્યદક્ષતા નિભાવતાં સ્વયં કોવિડ-19 મહામારીનો ભોગ બનીને દુઃખદ અવસાન પામ્યા છે.
આ ગૌરવ સન્માન ગુરૂપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત એનાયત કરવામાં આવ્યું હતું. સ્વ.મહાપાત્રા વતી આ સન્માન તેમના ધર્મપત્ની અને પૂત્રએ સ્વીકાર્યું ત્યારે એવોર્ડ સેરીમનીમાં ઉપસ્થિત સૌએ આ અનસંગ હિરોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સ્વ. મહાપાત્રાને આ અનસંગ હિરોના મરણોત્તર સન્માન માટે ભાવાંજલિ પાઠવી તેમની સેવા નિષ્ઠાની સરાહના કરી છે.
આ ઉપરાંત, અમદાવાદની યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ-19 દરમિયાન એકસલન્સ ઇન હોસ્પિટલ મેનેજમેન્ટનો ધી ઇકોનોમીક ટાઇમ્સ હેલ્થકેર એવોર્ડ-૨૦૨૧ પણ એનાયત થયો છે . યુ.એન.મહેતા હોસ્પિટલને કોવિડ-૧૯ મહામારી દરમિયાન ડેડીકેટેડ કોવિડ હેલ્થકેર અને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આ ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રીએ યુ.એન.મહેતા હોસ્પિટલની આ ગૌરવ સિદ્ધિને પણ બિરદાવી આરોગ્ય સંભાળ ક્ષેત્રે યુ.એન.મહેતા હોસ્પિટલના પ્રદાનની પ્રસંશા કરી છે. આમ, ગુજરાતના હેલ્થકેર સેકટરને આ ગૌરવ સન્માન સિદ્ધિ પ્રાપ્ત થતાં ગુજરાતે ફરી એકવાર આરોગ્ય સેવા-સંભાળ ક્ષેત્રે દેશમાં અગ્રેસરતા પ્રસ્થાપિત કરી છે.