નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા સૈન્ય તૈયાર રહેઃ રાજનાથસિંહ

સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સશસ્ત્ર દળોએ નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આના માટે સૈન્યની ત્રણેય પાંખે એકબીજા સાથે સંકલનમાં રહેવું જરૂરી છે.

નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા સૈન્ય તૈયાર રહેઃ રાજનાથસિંહ
| Edited By: | Updated on: Sep 16, 2025 | 9:32 PM

કોલકાતામાં આયોજિત સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, ભારતીય સેનાને સંદેશ આપ્યો કે તેઓ પરંપરાગત યુદ્ધની વિચારસરણી સુધી મર્યાદિત ના રહે, પરંતુ નવા પ્રકારના ખતરાઓનો સામનો કરવા માટે પણ તૈયાર રહે. તેમણે કહ્યું કે હવે યુદ્ધો ફક્ત શસ્ત્રોથી લડવામાં નથી આવતા, પરંતુ માહિતી, વિચારધારા, પર્યાવરણ અને જૈવિક યુદ્ધ જેવા પડકારો પણ સામે આવી રહ્યા છે. આ પરિષદમાં સેનાની ત્રણેય પાંખના વડાઓ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આજના યુદ્ધ અચાનક શરૂ થાય છે અને તે કેટલો સમય ચાલશે તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું; હાલના યુદ્ધ બે મહિના, એક વર્ષ કે પાંચ વર્ષનું પણ હોઈ શકે છે. તેથી, આપણી હંમેશા એ પ્રકારની સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ.

‘ત્રણેય સેનાઓ વચ્ચે સારું સંકલન જરૂરી છે’

રાજનાથસિંહે એ વાત પર ભાર મૂક્યો કે ત્રણેય સેનાઓ વચ્ચે વધુ સારું સંકલન જરૂરી છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભરતા અને નવી ટેકનોલોજી ભારતની વાસ્તવિક તાકાત બનશે. વડા પ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા JAI મંત્ર (જોઈન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઈનોવેશન) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે JAI ભારતને ભવિષ્ય માટે મજબૂત બનાવશે.

શક્તિ, વ્યૂહરચના, આત્મનિર્ભરતા એ ભારતની તાકાત છે

આ દરમિયાન, રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનું ઉદાહરણ આપતા કહ્યું કે તેનાથી સાબિત થયું છે કે તાકાત, વ્યૂહરચના અને આત્મનિર્ભરતા એ ભારતની શક્તિના ત્રણ સ્તંભ છે. તેમણે કહ્યું કે ભારત હવે તેની સ્વદેશી ટેકનોલોજી, પ્લેટફોર્મ અને બહાદુર સૈનિકોના બળ પર કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું કે “શક્તિ, વ્યૂહરચના અને આત્મનિર્ભરતા” એ 21મી સદીના ભારતની વાસ્તવિક તાકાત છે.

‘આત્મનિર્ભરતા ફક્ત એક સૂત્ર નથી’

તેમણે એમ પણ કહ્યું કે આત્મનિર્ભરતા ફક્ત એક સૂત્ર નથી પણ એક જરૂરિયાત છે, જે વ્યૂહાત્મક સ્વાયત્તતાની ચાવી છે. તેમના મતે, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માત્ર આર્થિક વિકાસને વેગ આપી રહી નથી, પરંતુ રોજગારીનું સર્જન પણ કરી રહી છે અને શિપયાર્ડ્સ, એરોસ્પેસ ક્લસ્ટરો અને સંરક્ષણ કોરિડોરની ક્ષમતામાં વધારો કરી રહી છે.

આ લોકો કોન્ફરન્સમાં હાજર હતા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ. પી. સિંહ, ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ, ડીઆરડીઓ ચીફ ડૉ. સમીર વી. કામત અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

‘જય હિન્દ જય ભારત’

ભારતની આન બાન શાન સમાન ભારતીય સૈન્ય દળને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.