ત્રણેય સેના અધ્યક્ષોએ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને કહ્યું, PM ના આદેશની જ રાહ જોઈ રહ્યાં છીએ

એક તરફ વિવિધ સુરક્ષા એજન્સીઓએ, પહેલગામના બાઈસરનમાં થયેલા ટાર્ગેટ કિંલીગ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં, સુરક્ષા દળોએ ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ પહેલગાવના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

ત્રણેય સેના અધ્યક્ષોએ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને કહ્યું, PM ના આદેશની જ રાહ જોઈ રહ્યાં છીએ
| Edited By: | Updated on: Apr 23, 2025 | 5:14 PM

જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બાઈસરનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પરત આવ્યા છે. તો આ તરફ ગૃહપ્રધાન અમિત શાહને તાબડતોબ શ્રીનગર-પહેલગામ મોકલ્યા હતા. જ્યાં તપાસ અહેવાલ એકઠો કરવા અને સુરક્ષા એજન્સીઓને જરૂરી દિશા નિર્દેશ આપવા જણાવ્યું હતું. વડાપ્રધાન ભારત પરત પહોંચતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા. અમિત શાહ કાશ્મીરથી પરત આવ્યા બાદ, દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે સીસીએસની બેઠક યોજાઈ રહી છે. દરમિયાન, આતંકવાદી હુમલાને કારણે બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે, ત્રણેય સેનાના વડાઓએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ કહ્યું કે તેઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. માત્ર વડાપ્રધાનના આદેશની જ રાહ જોવાઈ રહી છે.

સૂત્રોનું કહેવું છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરની એકંદર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સશસ્ત્ર દળો (જમીન, વાયુ અને જળ) ના વડાઓ અને સંરક્ષણ સચિવે ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

સંરક્ષણ મંત્રાલયમાં 2.5 કલાક ચાલી બેઠક

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં, ત્રણેય દળોના વડાઓએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પોતપોતાની તૈયારીઓ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે તેમની ત્રણેય સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. આ બેઠક લગભગ 2.5 કલાક ચાલી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોને તેમની લડાઇ અંગે તૈયારી વધારવા અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

આજે સાંજે 6 વાગ્યે યોજાનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં આ મુદ્દા પર વધુ વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા છે. સીસીએસ બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ પીએમ મોદીને, સેનાધ્યક્ષ પાસેથી મેળવેલી માહિતી આપશે.

પહેલગામ હુમલાનો બદલો લેવાની તૈયારીઓ

દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. પહેલગામ હુમલાનો બદલો લેવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં, સુરક્ષા દળોએ ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ પહેલગામના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવવાનું દુ:ખ દરેક ભારતીય અનુભવે છે. આ દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. હું આ બધા પરિવારો અને સમગ્ર દેશને ખાતરી આપું છું કે નિર્દોષ લોકોની હત્યા કરનારા આ આતંકવાદીઓને બિલકુલ બક્ષવામાં આવશે નહીં.”

રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આતંકવાદી હુમલા અંગે પોસ્ટ કરી હતી, “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય કૃત્ય છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ મળ્યા છે. તેમણે ફોટો જાહેર કર્યો છે. દરમિયાન, ઘટનાની તપાસ દરમિયાન, પ્રત્યક્ષદર્શીઓ સાથેની વાતચીતના આધારે 3 આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.