
દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગાઝિયાબાદ સ્થિત હિન્ડન એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંથી મુંબઈ, અમદાવાદ અને પટના જેવા મુખ્ય શહેરો માટે ટેકઓફ થતી ફ્લાઇટ્સ અચાનક જ સ્થગિત કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે, હિન્ડન એરપોર્ટ પરથી તેની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જ્યારે ઇન્ડિગોએ તેની ફ્લાઇટ્સની સંખ્યામાં પણ ભારે ઘટાડો કર્યો છે. આ નિર્ણય પાછળના કારણોમાં એરપોર્ટની કામગીરી મર્યાદાઓ અને સંસાધનોની અછત સહિતના ઘણા મુખ્ય પરિબળોનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે જ ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ કરાયેલ, એરપોર્ટ હવે ધીમે ધીમે તેની ચમક ગુમાવી રહ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં, અહીંથી રોજેરોજ આશરે 50 ફ્લાઇટ્સ ટેકઓફ થતી હતી. જે લગભગ દેશના વિભિન્ન 16 શહેરોને જોડતી હતી. જોકે, હવે આ સંખ્યા ઘટીને ફક્ત 14 ફ્લાઇટ્સ થઈ ગઈ છે, જે ફક્ત 7 શહેરોને સેવા આપે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે કામકાજ બંધ કરી દેવાની સાથે, મુંબઈ, અમદાવાદ અને પટના જેવા મુખ્ય શહેર સાથે સીધી કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે. વધુમાં, ભટિંડા, લુધિયાણા અને કિશનગઢ જેવા શહેરોની ફ્લાઇટ્સ ઉપર પણ પ્રતિકૂળ અસર પડી છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ અને અન્ય એરલાઇન્સના આ નિર્ણય પાછળ ઘણા ટેકનિકલ અને વ્યાપારી કારણો છે. હિંડોન એરપોર્ટ એ ભારતીય વાયુસેનાના એરબેઝના પરિસરમાં કાર્યરત છે. સુરક્ષા કારણોસર, અહીં નાગરિક ઉડ્ડયન કામગીરી પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ પડકાર એ છે કે, ફ્લાઇટ્સને ફક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ મંજૂરી આપવામાં આવે છે. રાત્રિના સમયે ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિગ માટેની કામગીરી પર સખત પ્રતિબંધ છે.
વિમાનોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે, એરલાઇન્સ એવા રૂટને પ્રાથમિકતા આપી રહી છે, જે વધુ મુસાફરોની સંખ્યા અને ખાતરીપૂર્વકની નફાકારકતાનું વચન આપે છે. હાલમાં, હિંડોન એરપોર્ટ આ વ્યાપારી માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતાને કારણે, અહીં ફ્લાઇટ્સ વારંવાર રદ કરવામાં આવે છે. આના પરિણામે એરલાઇન્સને નાણાકીય નુકસાન થાય છે અને મુસાફરોનો વિશ્વાસ ઘટે છે.
હિંડોન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એરલાઇન્સે અમદાવાદ, મુંબઈ અને પટનામાં વિમાની સેવા બંધ કરવામાં પોતાના ખાનગી અને વ્યાપારી કારણોસર આ નિર્ણય લીધો છે. મેનેજમેન્ટ જણાવે છે કે, ભવિષ્યમાં સુવિધાઓનો વિસ્તાર કરવા અને ફ્લાઇટ કામગીરી વધારવાના ઉદ્દેશ્યથી તેઓ એરલાઇન્સ સાથે સતત સંપર્કમાં રહે છે. જોકે, આ નિર્ણયની સૌથી પ્રતિકૂળ અસર ગાઝિયાબાદ અને નોઇડાના મુસાફરો પર પડશે. હવે તેમને મુંબઈ અથવા પટનાની ફ્લાઇટ પકડવા માટે ઝેવર અથવા દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ સુધી મુસાફરી કરવી પડશે.