
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે નદી અને ડેમમાં પાણીના સ્તરમાં વધારો થવા પામ્યો છે. બગલીહાર ડેમમાં પાણીનું સ્તર જળવાઈ રહે અને ડેમ ઉપર બંધાયેલ જળવિદ્યુત મથકમાં વીજ ઉત્પાદન સરળતાથી થઈ શકે તે માટે ભારતે ડેમના બે દરવાજા ખોલ્યા છે. ભારતે એકાએક લીધેલા આ પગલાને કારણે પાકિસ્તાનમાં ઘોડાપૂરનું જોખમ વધી ગયું છે.
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ચેનાબ નદીનો સહારો લીધો છે. પહેલગામ બૈસરન આતંકી હુમલા બાદ, પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સીઝ ફાયરનો સતત ગોળીબાર કરી રહ્યું છે. ભારતના નાગરિક સ્થળોને પાકિસ્તાન સતત નિશાન બનાવી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતે આજે ગુરુવારે બગલિયાર અને સલાલ બંધના ફ્લડગેટ્સ ખોલી નાખ્યાં છે. જેના કારણે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાશે.
પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં તેમની લશ્કરી પ્રવૃત્તિઓ પણ આનાથી પ્રભાવિત થશે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજો એવો કિસ્સો છે, જ્યારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન ફ્લડ દ્વારા પાણીનો ધોધ વહેતો કરીને એક પ્રકારે વોટર સ્ટ્રાઈક કરી છે. રવિવારે અગાઉ, ભારત સરકારે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેના વિવિધ જળવિદ્યુત પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
જોકે, ભારતે બીજા દિવસે સોમવારે પાણી છોડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને મંગળવાર રાતથી ભારતના સરહદી વિસ્તારો પર ગોળીબાર શરૂ કરી દીધો છે. એક સૈનિક શહીદ થવા ઉપરાંત, 16 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
લગભગ 100 નાગરિકો ઘાયલ થયા છે. સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ડોડા-કિશ્તવાડ, રિયાસીમાં ભારે વરસાદ પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, બગલિયાર અને સલાલ ડેમમાં પાણીના પ્રવાહને રોકવા અને જાળવવા માટે બનાવવામાં આવેલા બે વધારાના દરવાજા ખોલવામાં આવ્યા છે. આના કારણે, રિયાસી નીચે અખનુરમાં પાણીનું સ્તર 20 ફૂટથી વધુ વધી ગયું છે.
આના કારણે અખનૂરથી નીચેના પાકિસ્તાની વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે પુષ્ટિ થઈ નથી, સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેનાબ કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ગઢખાલ અને પરગલ સેક્ટરમાં કેટલીક પાકિસ્તાની જગ્યાઓ પાણીમાં ડૂબી ગઈ હતી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર જાણવા માટે અમારા ટોપિકને ક્લિક કરો.