Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધના કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ (Indian Students) છે. હાલ ભારત સરકાર (Indian Government) તેમને વતન લાવવાના પ્રયાસોમાં લાગેલી છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ ઘણા નેતાઓ અને મંત્રીઓ યુક્રેનમાં (Ukraine) ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને નાગરિકોના સંપર્કમાં છે.
રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ નેતાઓનો સંપર્ક કર્યો છે અને તેમના બાળકોને યુક્રેનની કટોકટીમાંથી બહાર કાઢીને વતન પરત લાવવા અપીલ કરી છે. ત્યારે હવે NCP ચીફ શરદ પવારે (Sharad Pawar) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે આ અંગે ફોન પર વાત કરી હતી. રોમાનિયા-પોલેન્ડ બોર્ડર પર અટવાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે આ ચર્ચા કરવામાં આવી હતી.
રશિયા દ્વારા યુક્રેનના મહત્વના શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. આ મામલે બેલારુસ ખુલ્લેઆમ રશિયાના સમર્થનમાં આવ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયન અને અમેરિકા યુક્રેનના સમર્થનમાં ઉભા છે. જ્યારે ભારત, ચીન અને UEA તટસ્થ ભૂમિકા અપનાવી છે. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં સાડા ત્રણસોથી વધુ લોકોના મોત થયા છે. યુક્રેનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં 1,684 લોકો ઘાયલ થયા છે. આ આંકડા વધારે હોવાની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિકટ પરિસ્થિતિમાં દેશના હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આ ભારતીયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં પાંચ એરક્રાફ્ટ ભારતીયોને લઈને ભારત આવ્યા છે.આ સાથે જ અત્યાર સુધીમાં 1,100થી વધુ ભારતીયો વતન પહોંચી ગયા છે. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ અને નાગરિકો ત્યાં ફસાયેલા છે. તેમને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.
તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ સામેલ છે. તેમના પરિવારના સભ્યો વતી આગેવાનો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને જલ્દી પરત લાવવા વિનંતી કરવામાં આવી રહી છે.