ધનુષ જતુ રહેતા શિંદે જૂથે ઉઠાવી ઢાલ તલવાર, ચૂંટણી ચિન્હ નક્કી કરવા ચૂંટણી પંચને આપ્યા 3 પ્રતિક
ટુંક સમયમાં ચૂંટણી પંચ આ અંગે અંતિમ નિર્ણય લઈને શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન ફાળવશે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઠાકરે જૂથ માટે પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન નક્કી કર્યું હતું.
મહારાષ્ટ્રમાં અસલી શિવસેનાનો (Shivsena) દાવો કરી રહેલા શિંદે જૂથે ચૂંટણી પંચને પક્ષનું પ્રતીક નક્કી કરવા માટે ત્રણ ચિન્હ આપ્યા છે. આમાં સૌપ્રથમ પ્રાથમિકતા સૂર્યને આપવામાં આવી છે. સૂર્ય ચિન્હ ન મળવાના સંજોગોમાં પીપળાનુ ઝાડ કે પછી ઢાલ તલવારને ચૂંટણી ચિન્હ આપવાની માંગ કરવામાં આવી છે. ટુંક સમયમાં ચૂંટણી પંચ (Election Commission) આ અંગે અંતિમ નિર્ણય લઈને શિંદે જૂથને (Shinde Group) ચૂંટણી ચિહ્નની ફાળવણી કરશે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઠાકરે જૂથ (Uddhav Thackeray group) માટે પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન નક્કી કર્યું હતું.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ હતી. હકીકતમાં, સત્તાધારી શિવસેનાએ તત્કાલિન મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો કર્યો હતો. આ પછી એકનાથ શિંદેએ અસલી શિવસેનાનો દાવો કરીને ભાજપની મદદથી સરકાર બનાવી. બીજી તરફ ઠાકરે જૂથ પણ અસલી શિવસેનાનો દાવો કરીને કોર્ટમાં ગયુ હતુ. હવે ચૂંટણી પંચ બંને પક્ષોની કાયદેસરતાની સુનાવણી કરી રહ્યું છે. આ ક્રમમાં ચૂંટણી પંચે જૂના શિવસેનાનું નામ અને ચિન્હ જપ્ત કરતાં બંને જૂથના પક્ષોને પોત-પોતાના પક્ષનું નામ અને ચિહ્ન નક્કી કરવા કહ્યું હતું.
શિંદે જૂથનું નામ બાલા સાહેબની શિવસેના
ચૂંટણી પંચે શિંદે જૂથના પક્ષનું નામ બાલાસાહેબાંચી શિવસેના (Shiv Sena of Bala Saheb) રાખ્યું છે. આ સાથે જ પંચે આ જૂથને ચૂંટણી ચિન્હ નક્કી કરવા માટે ત્રણ ચિન્હ આપવા કહ્યું હતું. હવે શિંદે જૂથે પંચને ત્રણ સૂચનોની યાદી સોંપી છે. જેમાં સૂર્યના નિશાનને પ્રાધાન્ય આપીને આ ચિન્હ નક્કી કરવા તાકીદ કરવામાં આવી છે. જો સૂર્યનુ નિશાન શક્ય ના હોય તો, પીપળાનુ ઝાડ અથવા ઢાલ તલવારને તેમના પક્ષના પ્રતીક તરીકે ફાળવી શકાય છે તેમ જણાવ્યું છે.
ઉદ્ધવ ઠાકરેને શિવસેના મળી (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)
આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનું નામ નક્કી કરતી વખતે ચૂંટણી ચિહ્ન નક્કી કર્યું હતું. પંચે ઠાકરે જૂથના પક્ષનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાખ્યું છે. સાથે જ આ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મશાલ નક્કી કરવામાં આવ્યું છે. હવે શિંદે જૂથ માટે ચૂંટણી ચિન્હ નક્કી કરવાનું બાકી છે. બંને પક્ષો અંધેરીમાં યોજાનારી પેટાચૂંટણીમાં નવા નામ અને નિશાનો સાથે ભાગ લેશે.