શરદ પવારના મુંબઈ નિવાસસ્થાન બહાર રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓનું આક્રમક આંદોલન, ચોર-ચોરના નારા સાથે ચપ્પલ ફેંકાયા
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ, (MSRTC Workers Protest) જેઓ રાજ્ય સરકાર સાથે વિલીનીકરણની માંગણીને લઈને પાંચ મહિનાથી હડતાળ પર છે, તેઓ આજે આક્રમક બન્યા છે.

Sharad Pawar's daughter and MP Supriya Sule
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ, જેઓ રાજ્ય સરકાર સાથે વિલીનીકરણની માંગણીને લઈને પાંચ મહિનાથી હડતાળ (MSRTC Workers Protest) પર છે, તેઓ આજે (8 એપ્રિલ, શુક્રવાર) આક્રમક બન્યા છે. મુંબઈમાં NCPના વડા શરદ પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ની બહાર ભેગા થઈને, આ રાજ્ય પરિવહન કર્મચારીઓ (ST Workers)એ ચોર ચોર કહીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચપ્પલ અને પથ્થરો ફેંક્યા હતા. આ આંદોલનકારી કાર્યકરો આંદોલન દરમિયાન થયેલા 120 કર્મચારીઓના મોત માટે શરદ પવાર, અજિત પવાર અને મહા વિકાસ અઘાડી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. કર્મચારીઓના આ એકાએક આક્રમક આંદોલનને કારણે પવાર પરિવાર અને સરકાર સાથે સંબંધિત લોકોના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
સ્થળ પર પોલીસની સંખ્યા ઓછી અને આંદોલનકારીઓની સંખ્યા વધુ હોવાથી એક રીતે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે અહીં પહોંચી હતી. તેમણે કર્મચારીઓને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. પરંતુ કર્મચારીઓ એટલા આક્રમક હતા કે તેઓએ સુપ્રિયા સુલેની અપીલ પર ધ્યાન આપ્યુ ન હતું.