
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવારમાં (NCP SP) સંભવિત ભાગલા અને NDAમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે આજે શનિવાર 18 જુલાઈના રોજ પાર્ટી પ્રમુખ શરદ પવારે મૌન જાળવ્યું. જ્યારે તેમને પાર્ટીમાં વિભાજન અને NDAમાં જોડાવાની અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે હાલ આ વિષય પર વાત કરવાનો સમય નથી. શરદ પવારે વધુમાં કહ્યું આ વિષય અહીં લાવવાનું કોઈ કારણ પણ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં NCPમાં સંભવિત ભાગલા અને NDAમાં જોડાવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં છે.
શરદ પવારનું આ નિવેદન તેમના જૂન મહિનાના નિવેદનથી અલગ માનવામાં આવી રહ્યું છે. તે સમયે તેમણે પાર્ટીમાં કોઈપણ પ્રકારની આંતરિક ભાગલાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના (Shivsena UBT) સાંસદોમાં ભલે ભાગલા પડ્યા હોય. પરંતુ તેમની પાર્ટીનો કોઈ સાંસદ તૂટશે નહીં. શનિવારે (18 જુલાઈ) તેમણે NCP (SP)ના NDAમાં જોડાવા અથવા પાર્ટીમાં સંભવિત વિભાજન અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. વધુમાં તેવમે કહ્યું કે હાલ આ મુદ્દે ચર્ચા કરવી યોગ્ય નથી.
છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવાર જૂથ NDAમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી. તાજેતરમાં શરદ પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. જેનાથી ચર્ચા વધુ તીવ્ર બની હતી. સૂત્રો અનુસાર, ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે NCPના બંને જૂથોના વિલીનીકરણ પછી જ NDAમાં જોડાવાનું શક્ય છે. શરદ પવાર જૂથને NDAમાં અલગથી સ્વીકારવાને બદલે, ભાજપ બંને જૂથો વચ્ચે વિલીનીકરણ માટે દબાણ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના બે જૂથો વચ્ચે સત્તા સંતુલિત કરવા માટે BJP નેતૃત્વએ કેન્દ્રીય મંત્રીમંડળમાં બે પદનો પ્રસ્તાવ મૂક્યો છે. જો તેઓ એક જ પક્ષ તરીકે વિલીનીકરણ માટે સંમત થાય તો જ.
તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચેલી સુપ્રિયા સુલેએ મીડિયાને સંબોધતા NCPના બંને ગૂટના વિલય અંગે સ્પષ્ટ કહ્યું કે હવે મારો ભાઈ (સ્વ. અજિત પવાર) આપણી વચ્ચે નથી. તેથી મારા ભાઈને લઈને અથવા તેના નામે ચાલી રહેલી તમામ ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. વધુમાં સુપ્રિયા સુલેએ કહ્યું કે મારા ભાઈની છેલ્લી ઈચ્છા હતી કે NCPના બંને ગૂટ ફરી એક થઈ રાજ્ય અને દેશની સેવા કરે. તેની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અમે સંપૂર્ણપણે તૈયાર હતા.
2023માં NCP બે જૂથોમાં વિભાજીત થઈ હતી. શરદ પવારના ભત્રીજા સ્વ. અજિત પવારે બળવો કર્યો હતો અને ઘણા વરિષ્ઠ સાથીદારો સાથે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. ત્યારબાદ, ચૂંટણી પંચે અજિત પવાર જૂથને પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીકના હકદાર માલિક તરીકે માન્યતા આપી હતી. શરદ પવારના નેતૃત્વ હેઠળનો જૂથ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) નામથી કાર્ય કરે છે.
અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી, પાર્ટીનું નેતૃત્વ તેમની પત્ની સુનેત્રા પવાર કરી રહી છે. તેમના મૃત્યુ પહેલા, એવી ચર્ચા ચાલી રહી હતી કે કાકા-ભત્રીજા ફરી એક થશે. પરંતુ અજિત પવારના મૃત્યુથી આ બધા પ્રયાસો ખોરવાઈ ગયા.
Published On - 2:47 pm, Sat, 18 July 26