Maharashtra: ઉદ્ધવ ઠાકરે સરકારે કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત, જાણો કેટલી છે સહાયની રકમ
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને 50 હજારનું વળતર આપવાની કેન્દ્રની યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray) સરકારે કોરોના (Covid- 19) થી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર આ માટે એક સ્વતંત્ર પોર્ટલ બનાવવામાં આવશે. જ્યાં મૃતકના સ્વજનોએ અરજી કરવાની રહેશે. આ પછી વળતરની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
Maharashtra Government to give Rs 50,000 aid to kins or immediate relatives of people who lost their lives due to #COVID19
— ANI (@ANI) November 26, 2021
નોંધનીય છે કે ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને 50 હજારનું વળતર આપવાની કેન્દ્રની યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે મૃતકના નજીકના સંબંધીઓને 50 હજારની રકમ ચૂકવવામાં આવશે અને તે વિવિધ પરોપકારી યોજનાઓ હેઠળ કેન્દ્ર અને રાજ્ય દ્વારા ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આનાથી કોરોના અસરગ્રસ્ત પરિવારો સુધી મદદની રકમ પહોંચવામાં સરળતા રહેશે. સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન હશે અને પીડિત પરિવારોને દસ્તાવેજો માટે અહીં-તહીં ભટકવું નહીં પડે.
મહારાષ્ટ્રમાં પૂણે જિલ્લામાં અગાઉથી જ કરવામાં આવી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ગત મહિને જાહેરાત કરવામાં આવી હતી કે પૂણે જિલ્લાના પરિવારો કે જેમણે કોરોના (કોવિડ-19)ના કારણે એક અથવા વધુ સભ્યો ગુમાવ્યા છે તેમને 50,000 રૂપિયાની રકમથી મદદ કરવામાં આવશે. આવા 18,956થી વધુ પરિવારોને મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નાણાકીય મદદ આપવાનું કામ આ મહિનાથી શરૂ થશે.
કેન્દ્ર સરકારે પણ કરી છે જાહેરાત
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે જે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવશે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કોરોનાના કારણે મૃત્યુ થવા પર પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ખુદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ને કોરોનાથી મૃત્યુના કિસ્સામાં વળતરની ચુકવણી માટે માર્ગદર્શિકા બનાવવા માટે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું કે વળતર માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી રહેશે. આ રકમ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) દ્વારા બહાર પાડવામાં આવશે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે વળતરની રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મૃતકના પરિવારની અરજીના 30 દિવસની અંદર મામલાનો નિકાલ કરવાનો રહેશે. અરજી દરમિયાન તમામ દસ્તાવેજો હાજર હોવા જોઈએ, જેથી કરીને સમયસર ચુકવણી કરી શકાય. જો દસ્તાવેજો ખોટા હશે તો તમારે ફરી એકવાર અરજી કરવી પડશે.