
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સાયબર ઠગોએ પોલીસ અધિકારી બનીને 75 વર્ષીય મહિલા પાસેથી 3 કરોડ 80 હજાર રૂપિયા પડાવી લીધા છે. વીડિયો કોલ દરમિયાન પોલીસ યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિની પાછળ તિરંગો અને પોલીસનો ધ્વજ દેખાડીને મહિલાનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના નામે ખોલવામાં આવેલા બેંક ખાતામાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પૈસા મોકલવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવી તેમને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. આરોપ છે કે મહિલાને 14 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને પાંચ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે 32 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે.
છત્રપતિ સંભાજીનગરના વ્યંકટેશ નગરમાં રહેતી 75 વર્ષીય શુભાધા, સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 18 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 12થી 1 વાગ્યાની વચ્ચે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ રાજન ભિસે હોવાનું જણાવ્યું અને પોતે નાસિક ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો.
ઠગે દાવો કર્યો હતો કે મહિલાના નામે નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને મુંબઈની કેનેરા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આ ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ, અન્ય એક વ્યક્તિએ ફોન કરીને દાવો કર્યો હતો કે ખાતામાં ₹2 કરોડ જમા કરવામાં આવ્યા છે અને તેમાંથી ₹2 લાખ શુભાધાના (ભોગ બનેલી વ્યક્તિ) ખાતામાં કમિશન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ RBI દ્વારા તેમના બધા બેંક ખાતાઓનું ઓડિટ કરાવવાની ધમકી આપી હતી. જો તે સહકાર નહીં આપે તો મહિલા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવશે.
મહિલાનો વિશ્વાસ મેળવવા માટે, વોટ્સએપ દ્વારા વીડિયો કોલ પણ કરવામાં આવ્યો હતો. આ કોલમાં પોલીસ ગણવેશમાં એક પુરુષ દેખાયો, તેની પાછળ તિરંગો અને વાદળી પોલીસ ધ્વજ હતો. આ જોઈને મહિલાને ખાતરી થઈ ગઈ કે તેની પૂછપરછ કરનારા લોકો ખરેખર પોલીસ અધિકારી છે. ફરિયાદ મુજબ, 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મહિલાને દરરોજ સવારે, બપોરે અને સાંજે ફોન પર ફોન આવતા હતા. તેણીને સતત દેખરેખ અને તપાસની ધમકી આપવામાં આવતી હતી. જો તેણી કોઈ માહિતી જાહેર કરશે તો તેણીને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપવામાં આવી હતી. 21 સપ્ટેમ્બરના રોજ, છેતરપિંડી કરનારાઓએ તેના બેંક ખાતાઓ, વ્યવહારો અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વિશે માહિતી જમા કરી. પછી RBI તપાસની આડમાં, તેઓએ તેણીને RTGS દ્વારા વિવિધ ખાતાઓમાં પૈસા મોકલવા માટે સૂચના આપી. છેતરપિંડી કરનારાઓએ પાંચ અલગ અલગ વ્યવહારોમાં કુલ 3 કરોડ 80 હજાર પડાવી પાડ્યા
જિન્સી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગણેશ તાઠેએ જણાવ્યું કે શુભાધા કુલકર્ણી ઘરે એકલી હોય છે. તેમનો છોકરો જામનગરમાં રિલાયન્સ કંપનીમાં કામ કરે છે. જ્યારે તેમની છોકરી અમેરિકામાં રહે છે. ફરિયાદ મુજબ, ઠગોએ છોકરાની ધરપકડ અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને મહિલાને ડરાવી રાખી હતી.
છેતરપિંડીનો ભોગ બન્યાનું જાણ તથા પીડિતે જિન્સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ પછી સાયબર પોલીસે શુભાધાના ખાતામાં બાકી રહેલી રક્કમ જે આશરે 32 લાખ રૂપિયા હતા તેને ફ્રીજ કર્યું. બાકીના ખાતાઓની પોલીસ તપાસ કરી રહી છે. DCP હેડક્વાર્ટર શશિકાંત સત્વાએ જણાવ્યું કે પોલીસ હવે તે બેંક ખાતાઓની તપાસ કરી રહી છે જ્યાં મહિલાએ પૈસા ટ્રાન્સફર કર્યા છે. પોલીસ અધિકારી તરીકે પોતાને રજૂ કરીને ધમકી આપનારા સાયબર છેતરપિંડી કરનારાઓની પણ શોધ ચાલી રહી છે.