
મહારાષ્ટ્રમાં સતત મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, રાયગઢ, કોકણ, ભિવંડી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ છે. જનજીવન ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં 3થી 9 જુલાઈ દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે.
અંધેરી વિસ્તારમાં રાતથી વરસાદ ચાલું છે. અંધેરી સબવે, જે અંધેરીના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે તેને ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. તાજેતરની સાકીનાકા ઘટના બાદ, મુંબઈ મહાનગરપાલિકાને એલર્ટ કરવામાં આવી છે અને સાવચેતી તરીકે BMCના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. અંધેરીના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. દરમિયાન, હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને નાગરિકોને સતર્ક રહેવા અને ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘર છોડવા વિનંતી કરી છે.
આજે 03 જુલાઈ સવારથી જ પડી રહેલા ભારે વરસાદની અસર સમગ્ર શહેરમાં અનુભવાઈ છે. ઠાણેના મુખ્ય બજારમાં પાણી ભરાવાથી નાગરિકો અને વેપારીઓને મોટી અગવડતા પડી હતી અને ઘણી દુકાનોને નુકસાન થયું હતું. ઠાણેના મુખ્ય બજાર સ્થળ, વંદના ડેપો અને કોપરી બારા બંગલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં ઠાણેમાં આશરે 117.06 મીમી વરસાદ નોંધાયો છે. ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરના આશરે 19 સ્થળોએ વૃક્ષો પડવાની ઘટનાઓ નોંધાઈ છે.
આજે 03 જુલાઈ રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વરસાદી ઋતુ 5 જુલાઈ સુધી ચાલુ રહેવાની ધારણા છે. 3 જુલાઈએ સમગ્ર કોંકણ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બુલઢાણા, અકોલા અને અમરાવતી જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
4 જુલાઈએ ઠાણે, રાયગઢ, પુણે અને સાતારા માટે રેડ એલર્ટ આપ્યું છે. 5 જુલાઈએ પુણેના ઘાટ વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં 3થી 9 જુલાઈ દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી છે. 9 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન મોટાભાગના ભાગોમાં સારો વરસાદ પડવાની ધારણા છે. જોકે, 16થી 22 જુલાઈ અને 23 જુલાઈ અને 3 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. IMD હવામાન અનુસાર, જુલાઈના ઉત્તરાર્ધમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં, છેલ્લા 24 કલાકથી સતત મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને ચેતવણી આપી છે. જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. સતત વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને બંધોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે પૂર જેવી પરિસ્થિતિની શક્યતા વધી રહી છે.
વહીવટીતંત્રે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કિનારા અને દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. મહેસૂલ, પોલીસ, આરોગ્ય, જાહેર બાંધકામ અને ગ્રામ પંચાયત સ્તરની તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવેલું છે. કોઈપણ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળવા, નદીઓ અને નાળાઓ પાસે જવાનું ટાળવા અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
ગઈકાલે ગુરુવાર 02 જુલાઈના રોજ ભિવંડીમાં પડેલા મુશળધાર વરસાદ પડ્યો હતો. થોડા કલાકોના ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ગટર અને ચેમ્બર છલકાઈ રહ્યા હતા. પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યા હતા. ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જોવા મળી હતી. મુશળધાર વરસાદના કારણે રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. મુખ્ય રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક ભારે ખોરવાઈ ગયો હતો. વરસાદી પાણી ઘણી દુકાનોમાં ઘૂસી ગયા જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. દુકાનદારોએ ઉતાવળમાં પોતાનો માલ સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો પ્રયાસ કર્યો જ્યારે ગ્રાહકો અને પસાર થતા લોકોને પણ મોટી અસુવિધાનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગે આગામી થોડા કલાકો સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.