મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ તેમના પુત્ર નિતેશ રાણેનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને અજિત પવારની વાતના જવાબમાં કહ્યું 'મ્યાઉં-મ્યાઉંનો આદિત્ય ઠાકરે સાથે શું સંબંધ છે? વાઘ ક્યારથી બિલાડો બની ગયો? (શિવસેનાનું પ્રતીક વાઘ છે) આદિત્ય ઠાકરેની સામે મ્યાઉં-મ્યાઉં બોલ્યા કહેવાથી શું થઈ ગયું, શું તેમનો અવાજ એવો છે?'
મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં (Maharashtra Winter Assembly Session) આ વખતે ધારાસભ્યો દ્વારા જનતાનો અવાજ ઉઠાવવાને બદલે કૂતરા અને બિલાડીઓની નકલ કરતા વધુ અવાજો સંભળાયા. આ નવી પરંપરાને શરમજનક ગણાવતા નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (Ajit Pawar) આજે (મંગળવાર, 28 ડિસેમ્બર) સત્રના છેલ્લા દિવસે ધારાસભ્યોને ઘણું ખરું ખોટું કહ્યું. અજિત પવારે કહ્યું કે અહીં લાખો મતદારો દ્વારા ચૂંટાયેલા અને મોકલવામાં આવેલા ધારાસભ્યોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ કૂતરા, બિલાડી અને મરઘીઓનું પ્રતિનિધિત્વ કરતા નથી. જો તેઓ આ વાત નહીં સમજે તો લાખો મતદારોનો વિશ્વાસ તૂટી જશે. વિધાનસભાના સભ્યોએ તેમના આચરણનું ધ્યાન રાખવું જોઈએ.
‘સભ્યોની ઈમેજથી વિધાનસભાની ઈમેજ બને-બગડે છે’
આગળ આ વાતનો વિસ્તાર આપતા અજીત પવારે કહ્યું કે વિધાનસભામાં સભ્યો કેવું વર્તન કરે છે, તેઓ શું બોલે છે, પરીસરમાં તેમનો વ્યવહાર કેવો છે, આ બધી બાબતો પર માત્ર તેમની જ નહીં, પરંતુ વિધાનસભાની છબી અને પ્રતિષ્ઠા પણ નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી સભ્યોના આચરણને કારણે વિધાનસભાની પ્રતિષ્ઠાને આંચ આવી છે.
‘સંસદીય શિષ્ટાચાર જાણવા માટે નીતિશાસ્ત્રનું પુસ્તક વાંચો’
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સંસદીય નીતિશાસ્ત્ર અને શિષ્ટાચારની આચારસંહિતાનું પુસ્તક બધાએ વાંચવું જોઈએ. તમારે તમારા વર્તનનું વિશ્લેષણ કરવું જોઈએ. વિધાનસભામાં આપણા વ્યવહારને આખી દુનિયામાં જોવાઈ રહ્યો છે. સભ્યોનું વર્તન એવું ન હોવું જોઈએ કે તેનાથી કોઈનું અપમાન થાય. સભ્યોએ અશોભનીય વ્યવહારથી દૂર રહેવું જોઈએ.
અજિત પવારે આ બહાને નિતેશ રાણેને સંભળાવવા લાગ્યા
સંમેલનના બીજા દિવસે વિપક્ષ દ્વારા વિધાનસભા સંકુલના પગથિયા પર આંદોલન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ આંદોલનમાં ભાજપના અન્ય નેતાઓ સાથે ધારાસભ્ય નિતેશ રાણે પણ સામેલ થયા હતા. આ સૂત્રોચ્ચાર વચ્ચે પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે વિધાનસભા ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન નિતેશ રાણેએ ત્યાં ‘મ્યાઉં-મ્યાઉં’ના અવાજો કરવા માંડ્યા.
આ પછી શિવસેનાના નેતાઓ ગુસ્સે થયા અને તેને આદિત્ય ઠાકરેનું અપમાન ગણાવ્યું. તેઓ નિતેશ રાણેને સસ્પેન્ડ કરવાની માંગ કરવા લાગ્યા. વાસ્તવમાં આદિત્ય ઠાકરેનો અવાજ પાતળો છે. નિતેશ રાણે ઘણીવાર તેમના અવાજની નકલ કરીને તેમની મજાક ઉડાવે છે. ક્યારેક તેઓ મ્યાઉ-મ્યાઉ તો ક્યારેક પેંગ્વિન કહીને ચીડવે છે. એક રીતે અજિત પવાર આજે તેમના સંબોધનમાં નિતેશ રાણેને સંદેશો આપી રહ્યા હતા.
નારાયણ રાણે તેમના પુત્ર નિતેશ રાણેના સમર્થનમાં ઉતર્યા
વિધાનસભામાં અજિત પવારના શબ્દોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તેમના પુત્ર નિતેશ રાણેનું ખુલ્લીને સમર્થન કર્યું હતું. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ તેમના પુત્ર નિતેશ રાણેનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને અજિત પવારની વાતના જવાબમાં કહ્યું ‘મ્યાઉં-મ્યાઉંનો આદિત્ય ઠાકરે સાથે શું સંબંધ છે? વાઘ ક્યારથી બિલાડો બની ગયો? (શિવસેનાનું પ્રતીક વાઘ છે) આદિત્ય ઠાકરેની સામે મ્યાઉં-મ્યાઉં બોલ્યા કહેવાથી શું થઈ ગયું, શું તેમનો અવાજ એવો છે?’ શું તેઓ આ રીતે બોલે છે? અજિત પવાર છે કોણ?” આ રીતે નારાયણ રાણે નિતેશ રાણેના મુદ્દાને લઈને અજિત પવાર પર ગુસ્સે થયા.