LIC એ ફગાવ્યો ₹60 લાખનો ક્લેમ, કોર્ટે આપ્યો આદેશ – ₹61.5 લાખ સાથે 9% વ્યાજ ચૂકવો

રાષ્ટ્રીય ગ્રાહક ફોરમે (NCDRC) LIC ને મોટો ઝટકો આપતા મુંબઈની મહિલાની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોલિસી ડિપોઝિટ મની મળતાની સાથે જ રિસ્ક કવરેજ શરૂ થાય છે તેવું સ્પષ્ટ કરીને કોર્ટે LIC ને ₹60 લાખનો ક્લેમ, 12 વર્ષનું 9% વ્યાજ, અને ₹1.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

LIC એ ફગાવ્યો ₹60 લાખનો ક્લેમ, કોર્ટે આપ્યો આદેશ - ₹61.5 લાખ સાથે 9% વ્યાજ ચૂકવો
| Updated on: Jul 22, 2026 | 5:17 PM

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દેશની સૌથી મોટી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની છે. તેને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (National Consumer Disputes Redressal Commission) તરફથી મોટો ઝટકો મળ્યો છે. કમિશને તાજેતરમાં એલઆઈસીને મુંબઈની એક મહિલાને 60 લાખ રૂપિયાના ક્લેમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમને થયેલી માનસિક અગવડતા માટે 1 લાખ રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ માટે 50 હજાર રૂપિયા આપવા પણ કહ્યું છે. ઉપરાંત, ક્લેમની રકમ પર 12 વર્ષના સમયગાળા માટે 9% ના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો ?

આ મામલો મુંબઈના રહેવાસી નીતિન સુરેશ ગંભીરના ઈન્સ્યોરન્સ ક્લેમ સાથે જોડાયેલો છે. તેમણે જૂન 2010માં એલઆઈસી પાસે લાઈફ ઈન્સ્યોરન્સની 5 પોલિસીઓ માટે પ્રોપોઝલ જમા કરાવ્યું હતું. એલઆઈસીએ પોતાના પેનલના ડોક્ટર પાસે તેમની મેડિકલ તપાસ કરાવી હતી. ફિટ જણાતા પાંચેય પોલિસી ઈશ્યૂ કરવામાં આવી હતી. તેમાંથી 10, 15 અને 15 લાખ રૂપિયાના વીમાની ત્રણ પોલિસીઓ 26 ઓગસ્ટ 2010ના રોજ ઈશ્યૂ કરાઈ હતી. બાકીની 10-10 લાખની બે પોલિસીઓ માટે તેમના પરિવારે 7 સપ્ટેમ્બર 2010ના રોજ પહેલો પ્રીમિયમ ભર્યો હતો. જોકે એલઆઈસીનું કહેવું છે કે તેમને પહેલો પ્રીમિયમ 13 સપ્ટેમ્બરના રોજ મળ્યો હતો, તેથી તે દિવસથી જ રિસ્ક કવરેજ શરૂ થયું હતું.

પગના ઘાથી બદલાઈ ગયો સીન

નીતિનના જમણા પગમાં એક ઘા હતો જે 15 દિવસથી રુઝાતો નહોતો. તેની સારવાર માટે તેમને 11 સપ્ટેમ્બર 2010ના રોજ પી.ડી. હિંદુજા નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ખબર પડી કે તેમને બે મહિનાથી ડાયાબિટીસ છે, તેથી પગનો ઘા રુઝાતો નહોતો. તેમની સારવાર થઈ ગઈ અને હોસ્પિટલમાંથી 13 સપ્ટેમ્બર 2010ના રોજ રજા આપી દેવામાં આવી.

મૃત્યુ થતાં LIC એ ક્લેમ રિજેક્ટ કર્યો

હોસ્પિટલમાંથી રજા મળ્યાના આશરે ત્રણ વર્ષ પછી, 11 જૂન 2013ના રોજ હાર્ટ અટેક આવવાને કારણે નીતિનનું મૃત્યુ થયું. ત્યારબાદ નીતિનની માતા જયશ્રી ગંભીરે પાંચેય પોલિસીઓનો ક્લેમ કર્યો. LIC એ તમામ ક્લેમ રિજેક્ટ કરી દીધા. કંપનીનું કહેવું હતું કે પ્રોપોઝલ ફોર્મમાં સ્વાસ્થ્યની પૂરી જાણકારી આપવામાં આવી નહોતી અને વીમો લેતા પહેલાથી જ તેમને ડાયાબિટીસ હતો.

કોર્ટના દરવાજા ખટખટાવ્યા

ત્યારબાદ જયશ્રી સુરેશ ગંભીરે મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશનના દરવાજા ખટખટાવ્યા. ત્યાં કોર્ટે કહ્યું કે એલઆઈસીને ત્રણ પોલિસીઓ માટે પહેલો પ્રીમિયમ 26 ઓગસ્ટ 2010ના રોજ જ મળી ગયો હતો અને તે જ દિવસથી રિસ્ક કવરેજ શરૂ થઈ ગયું હતું. જ્યારે નીતિન હોસ્પિટલમાં 13 સપ્ટેમ્બરે દાખલ થયા હતા. તેથી શરૂઆતની ત્રણ પોલિસીનો ક્લેમ એટલે કે 40 લાખ રૂપિયા આપવામાં આવે. કોર્ટે પછીની બે પોલિસીના ક્લેમ સ્વીકાર્યા નહોતા.

બંને પક્ષ રાષ્ટ્રીય ગ્રાહક ફોરમ પહોંચ્યા

રાજ્ય ગ્રાહક ફોરમના ચુકાદાથી બંને પક્ષો અસંતોષ્ટ હતા. જયશ્રી પાંચેય પોલિસીનો ક્લેમ ઈચ્છતા હતા જ્યારે એલઆઈસી કોઈ પણ પોલિસીનો ક્લેમ આપવા માંગતી નહોતી. ત્યારબાદ બંને પક્ષો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) પહોંચ્યા. ત્યાં પીઠાસીન સભ્ય ડો. ઈન્દ્રજીત સિંહ અને સભ્ય શશી નંદકોયલકરની બેંચે મામલાની તપાસ કરી. કોર્ટનું કહેવું હતું કે એલઆઈસી એવો કોઈ કાગળ રજૂ કરી શકી નથી જેનાથી ખબર પડે કે નીતિનને પ્રોપોઝલ ફોર્મ ભરતા પહેલા ડાયાબિટીસ હતો. સાથે જ પગના ઘાને હાર્ટ અટેક સાથે કોઈ સંબંધ નથી.

કોર્ટે શું કહ્યું ?

રાષ્ટ્રીય ગ્રાહક ફોરમે કહ્યું કે પછીની બે પોલિસીઓમાં ફર્સ્ટ પ્રીમિયમ રિસીપ્ટ ભલે 13 સપ્ટેમ્બર 2010ના રોજ ઈશ્યૂ કરવામાં આવી હોય, પરંતુ તેમાં એ સ્પષ્ટપણે લખાયું નથી કે તે જ દિવસે પ્રીમિયમની રકમ મળી છે. તે દિવસે માત્ર રિસીપ્ટ ઈશ્યૂ થઈ હતી. નીતિનના પરિવારે 7 સપ્ટેમ્બર 2010ની તારીખનો બે કાગળ રજૂ કર્યા જેમાં પ્રોપોઝલ ડિપોઝિટ રિસીપ્ટ લખેલું હતું. તેમાં જણાવાયું હતું કે એલઆઈસીને બંને પોલિસી માટે પ્રીમિયમ તરીકે ₹40,100 મળ્યા હતા.

એલઆઈસીની અપીલ ફગાવી

કોર્ટે જયશ્રીની અપીલ સ્વીકારી જ્યારે એલઆઈસીની અપીલ ફગાવી દીધી. કોર્ટે એલઆઈસીને આદેશ આપ્યો કે તે અરજદારને પાંચેય પોલિસીના ક્લેમની રકમ એટલે કે ₹60 લાખની ચુકવણી કરે. સાથે જ આ રકમ પર જુલાઈ 2014થી 9% ના દરે વ્યાજ પણ આપે. અરજદારને જે માનસિક ત્રાસ થયો તેના માટે ₹1 લાખ અને કાનૂની ખર્ચ માટે ₹50 હજાર ચૂકવવાનો પણ આદેશ આપ્યો.

લગ્ન માટે PF માંથી એડવાન્સ પૈસા જોઈએ છે…! જાણો EPFO કેટલી રકમ ઉપાડવાની આપે છે મંજૂરી?

Follow Us