Maharashtra: અનિલ પરબના 7 ઠેકાણા પર સવારે 7 વાગ્યાથી દરોડા, જાણો EDની કાર્યવાહી સાથે જોડાયેલી 7 મહત્વની બાબત

પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને લઘુમતી મંત્રી નવાબ મલિક બાદ અનિલ પરબ (Anil Parab) મહા વિકાસ આઘાડી સરકારના ત્રીજા મંત્રી અને શિવસેનાના પ્રથમ મંત્રી છે. જેમની સામે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Maharashtra: અનિલ પરબના 7 ઠેકાણા પર સવારે 7 વાગ્યાથી દરોડા, જાણો EDની કાર્યવાહી સાથે જોડાયેલી 7 મહત્વની બાબત
Anil Parab (File Image)
| Edited By: | Updated on: May 26, 2022 | 12:09 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે (26 મે, ગુરુવાર) સવારે 7 વાગ્યાથી મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબ (Anil Parab) સાથે જોડાયેલા 7 સ્થળો પર દરોડા પાડી રહી છે. મુંબઈ, પુણે, રત્નાગિરી સહિત સાત સ્થળોએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે આ સાથે અનિલ પરબ સામે મની લોન્ડરિંગનો (Money Laundering) કેસ નોંધવામાં આવ્યો છે. અનિલ પરબ શિવસેના પાર્ટીના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.

અનિલ પરબ મહા વિકાસ આઘાડી સરકારમાં પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને લઘુમતી મંત્રી નવાબ મલિક પછી ત્રીજા મંત્રી છે અને  શિવસેનાના પ્રથમ મંત્રી છે, જેમની વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ અનિલ પરબના સત્તાવાર નિવાસસ્થાન શિવાલય અને બાંદ્રા સ્થિત ખાનગી નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા છે. અનિલ પરબ હાલ તેમના સરકારી નિવાસ સ્થાન શિવાલયમાં છે. અહીં EDના અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે. EDના ચીફ ઓફિસર તહસીન સુલતાન અનિલ પરબની પૂછપરછ કરી રહ્યા છે.

અનિલ પરબના 7 સ્થળો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે 7 મોટી બાબતો

  1. અનિલ દેશમુખ અને નવાબ મલિક બાદ હવે EDએ મંત્રી અનિલ પરબ સામે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે (26 મે) સવારે 7 વાગ્યાથી સાત અલગ-અલગ સ્થળો પર EDના દરોડા શરૂ થયા છે. EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
  2. અનિલ પરબ તેમના સત્તાવાર નિવાસસ્થાન, શિવાલય બંગલા ખાતે હાજર છે. EDના અધિકારીઓ અહીં તેમની પૂછપરછ કરી રહ્યા છે. અનિલ પરબની મિલકતો અંગે તપાસ ચાલી રહી છે. EDએ આ દરોડા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
  3. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા તેમના પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. બીએમસીના કોન્ટ્રાક્ટ આપવા માટે કરોડો રૂપિયાના કમિશન અને ભ્રષ્ટાચારના આરોપો છે. તેવી જ રીતે દાપોલીમાં અનિલ પરબના સાઈ રિસોર્ટના કેસમાં પણ ભાજપના નેતા કિરીટ સોમૈયા દ્વારા કરોડો રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
  4. આ સિવાય પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પૂછપરછ દરમિયાન સંકેત આપ્યો હતો કે પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે દલાલી લેવા માટે તેઓ એકલા જવાબદાર નથી. અનિલ પરબ તેમને પોલીસ અધિકારીઓની યાદી આપતા હતા અને જણાવતા હતા કે કયા પોલીસ અધિકારીઓની ક્યાં પોસ્ટિંગ કરવાની છે.
  5. EDના વરિષ્ઠ અધિકારી તહસીન સુલતાન તેમના સત્તાવાર નિવાસસ્થાન શિવાલયમાં અનિલ પરબની પૂછપરછ કરી રહ્યા છે. અનિલ પરબ સામે પુછપરછ અને તપાસનો હવાલો તેમની પાસે હોવાનું કહેવાય છે.
  6. મુંબઈના સત્તાવાર નિવાસસ્થાન, મુંબઈના બાંદ્રા સ્થિત ખાનગી નિવાસ, દાપોલી રિસોર્ટ, પરબના નજીકના અધિકારી બજરંગ ખરમાટેના ઘર, પરબના સીએના ઘર પર અને દાપોલી રિસોર્ટ માટે જમીનના સોદામાં મદદ કરનાર વિભાસ સાઠેના પુણે સ્થિત નિવાસ સહીત મુંબઈ, પુણે અને રત્નાગીરીના સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
  7. શિવસેના તરફથી સંજય રાઉતે અનિલ પરબ પર લીધેલા પગલાંને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરીને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. ભાજપના નેતાઓએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ તથ્યો અને પુરાવાના આધારે કાર્યવાહી કરે છે. બહાના બનાવવાને બદલે અનિલ પરબ તમારી જાતને નિર્દોષ સાબિત કરો.

Published On - 12:06 pm, Thu, 26 May 22