સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં ! 200 રુપિયાની લાંચના કેસમાં એક વ્યક્તિ 25 વર્ષે થયો નિર્દોષ જાહેર
2002 માં, સોલાપુરની વિશેષ અદાલતે આ કેસમાં શેલકેને દોષી ઠેરવ્યો અને તેને બે વર્ષની સખત કેદની સજા ફટકારી. કોર્ટના આ નિર્ણયને શેલકેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, મહારાષ્ટ્ર વિદ્યુત બોર્ડે સ્પેશિયલ કોર્ટના નિર્ણય બાદ જ શેલકેને બરતરફ કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે 25 વર્ષ બાદ 200 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પકડાયેલા એન્જિનિયરને હવે સ્પેશીયલ કોર્ટે દોષિત ઠરાવ્યા બાદ, હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. અઢી દાયકાથી લાંચના કેસમાં માનસિક યાતના ભોગવી રહેલા જુનિયર એન્જિનિયર પ્રવિણ શેલકેને હાઈકોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. સપ્ટેમ્બર 1998 માં, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સોલાપુરના કુર્દુવાડી વિસ્તારમાંથી પ્રવિણ શેલકેએ એક વ્યક્તિ પાસેથી 200 રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી.
લાંચના કેસમાં વ્યક્તિ 25 વર્ષે નિર્દોષ જાહેર
2002 માં, સોલાપુરની વિશેષ અદાલતે આ કેસમાં શેલકેને દોષી ઠેરવ્યો અને તેને બે વર્ષની સખત કેદની સજા ફટકારી. કોર્ટના આ નિર્ણયને શેલકેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, મહારાષ્ટ્ર વિદ્યુત બોર્ડે સ્પેશિયલ કોર્ટના નિર્ણય બાદ જ શેલકેને બરતરફ કર્યો હતો. ત્યાર બાદ તેમણે 16 વર્ષ સેવા આપી હતી અને 18 વર્ષની સેવા બાકી હતી. આ દરમિયાન શેલકનો પરિવાર વિખૂટા પડી ગયો. પત્ની અને બાળકો પણ છોડીને ચાલ્યા ગયા, પરંતુ તે અડગ રહ્યો અને અસંખ્ય સુનાવણી પછી આખરે હાઈકોર્ટમાંથી તેમને ન્યાય મળ્યો.
ફરિયાદી પુરાવા રજૂ કરવામાં રહ્યો નિષ્ફળ
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, શેલકેના વકીલે દાવો કર્યો હતો કે આરોપી શેલક દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાના પુરાવા રજૂ કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો હતો. આરોપી પર કેબલ વાયર આપવાના બદલામાં લાંચ માંગવાનો આરોપ છે, પરંતુ આ વાયર આપવો એ આરોપીની ફરજનો ભાગ ન હતો. આરોપી સાથે કામ કરનાર સાક્ષીએ જણાવ્યું કે આરોપીને ફરિયાદીએ કંઈક આપ્યું હતું અને તેણે પોતાના ખિસ્સામાં જોયા વગર મુકી દીધુ હતું.
સાક્ષીના નિવેદન પરથી એ સ્પષ્ટ નથી થયું કે આરોપીને ખરેખર શું આપવામાં આવ્યું હતું અને તેણે પોતાના ખિસ્સામાં શું મુક્યુ હતું. આ રજૂઆતો સાંભળ્યા પછી, હાઇકોર્ટે અવલોકન કર્યું કે વિશેષ અદાલત આ કેસમાં ફરિયાદ પક્ષની ખામીઓ જોવામાં નિષ્ફળ રહી છે. આ કેસમાં એસીબીએ જે રીતે જાળ બિછાવીને આરોપીઓને પકડ્યા તે પણ શંકાના દાયરામાં છે. તેનો લાભ આરોપીઓને મળવો જોઈએ.
‘સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં’
નિર્દોષ પ્રવિણ શેલકે તે બાદ કહ્યું હતુ કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ તેને હરાવી શકાતું નથી. મને શરૂઆતથી જ ખાતરી હતી. કોઈ દિવસ મારું સત્ય સમાજ સામે ચોક્કસ આવશે. જ્યારે મને બરતરફ કરવામાં આવ્યો ત્યારે મારી પાસે 18 વર્ષની સેવા બાકી હતી. આથી, આ લડાઈમાં મને એક કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને સમગ્ર મુકદ્દમામાં બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. હવે હું મારી ખોટ પુનઃપ્રાપ્ત કરવા માટે વકીલની સલાહ લીધા બાદ વળતર માટે પગલાં લઈશ. આ જીતથી મન ચોક્કસપણે હળવું થઈ ગયું છે, પરંતુ બે દાયકાના આ કેસની સુનાવણીમાં જે સમય પસાર થયો છે તેની ભરપાઈ કોઈ નહીં કરી શકે.