Maharashtra: પૂર પીડિતો માટે 11,500 કરોડનું રાહત પેકેજ, ઠાકરે સરકારની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં મંગળવાર 3 ઓગસ્ટે રાજ્યના મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂરને કારણે નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી અને આર્થિક પેકેજનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વરસાદ અને પૂરથી પ્રભાવિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પૂર પીડિતો માટે 11 હજાર 500 કરોડના પેકેજની જાહેરાત રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે કરી હતી.
આ પહેલા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી અને આર્થિક પેકેજનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના રત્નાગિરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર, સાંગલી, સતારા જિલ્લામાં વરસાદે ભારે પાયમાલી સર્જી છે. અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારોના લોકોને પૂરનો સામનો કરવો પડ્યો હતો. જાન -માલનું મોટું નુકસાન થયું હતું. આ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગભગ 11 હજાર 500 કરોડના પેકેજને મંજૂરી આપી છે.
જેમના મકાનો નાશ પામ્યા છે તેમને આપવામાં આવશે 1.5 લાખ
જે પરિવારોને પૂરથી નુકસાન થયું છે તેવા દરેક પરિવારને 10 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત દુકાનદારો માટે 50 હજાર અને નાના દુકાનદારો માટે 10 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.
જેમનાં ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેમને 1 લાખ 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમના મકાનોને 50% નુકસાન થયું છે તેમને 50 હજાર રૂપિયા, જો ઘરને 25% સુધી નુકસાન થયું હોય તો 25 હજાર રૂપિયા, તેવી જ રીતે, જો મકાનોને આંશિક નુકસાન થયું હોય તો 15 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ખેતીમાં થયેલા નુકસાનની પ્રાથમિક માહિતી પણ મેળવવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ 4 લાખ હેક્ટરથી વધુની ખેતી નાશ પામી છે.
ગ્રામીણ વિકાસ માટે મત્સ્યપાલન વિભાગ, એમએસઈબી (MSEB) વિભાગની મદદ લેવામાં આવશે.જાહેર બાંધકામ વિભાગ માટે 2500 કરોડ આપવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગે જણાવેલ નુકસાનની સહાયને પણ આ પેકેજમાં સમાવવામાં આવ્યું છે.
16 હજાર દુકાનો, નાના વ્યાપારી માટે આર્થિક મદદ
આ આર્થિક પેકેજ બુધવારથી લાગુ કરવામાં આવશે. 2 લાખ પરિવારોને મદદ આપવામાં આવશે. દુકાનો અને નાના વ્યાપારીઓની સંખ્યા 16 હજાર છે. આ સિવાય 30 હજાર હેક્ટર જમીનમાં ખેતીને નુક્સાન થયેલું છે.
તેમના માટે એનડીઆરએફની નિયમો કરતાં વધુ નાણાંની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. 4 હજાર 400 પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. આ માટે 60 કરોડ રૂપિયાની રકમની સહાય જાહેર કરવામાં આવી છે.
મૃતકોના સંબંધીઓને 9 લાખ રૂપિયાની સહાય
મૃતકના સંબંધીઓને આર્થિક મદદની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત SDRF ફંડમાંથી 4 લાખ રૂપિયા, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 1 લાખ રૂપિયા, જેના નામે સાતબારા (જમીનના કાગળો પર નામ, તેને મહારાષ્ટ્રમાં સાતબારા કહેવામાં આવે છે), છે તેવા ખેડુતોને ગોપીનાથ મુંડે અકસ્માત વીમા ફંડમાંથી 2 લાખ, પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેર કરાયેલ 2 લાખ એટલે કે મૃતકો સાથે જોડાયેલા દરેક પરિવારને કુલ 9 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો : ભારત આવવા-જવા માટે OCI કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ ફરજિયાત નહીં, લોકસભામાં બોલ્યા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય