
પેટ્રોલના ભાવ આસમાને પહોંચતા જ રોજબરોજ ઑફિસ કે કામધંધે જતા લાખો લોકો મૂંઝવણમાં મુકાયા છે કે કયા વાહનથી મુસાફરી કરવી જેથી મહિને હજારો રૂપિયાની બચત થઈ શકે. શું પોતાની કાર કે બાઇક લઈને જવું સસ્તું પડશે, કે પછી મેટ્રો અને કેબ વધુ ફાયદાકારક સાબિત થશે? ચાલો, અમદાવાદ જેવા મોટા શહેરના ઉદાહરણથી સમજીએ કે 10 થી 12 કિલોમીટરની રોજિંદી મુસાફરીમાં કયા ઓપ્શનમાં કેટલો ખર્ચ થાય છે.
જો તમે રોજ પોતાની કાર લઈને ઑફિસ જાઓ છો અને કાર 10 -12 કિલોમીટરની એવરેજ આપે છે, તો પેટ્રોલના વર્તમાન ભાવ મુજબ કાર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે 8 થી 10 રૂપિયા થાય છે. એટલે કે, 10-12 કિલોમીટરના એકતરફી સફરનો ખર્ચ જ 80 થી 120 રૂપિયા થઈ જાય છે. આમાં ટ્રાફિકમાં બબડાટ, પાર્કિંગ ચાર્જ અને કાર મેન્ટેનન્સનો ખર્ચ અલગ.
જો તમે ડ્રાઇવિંગના ટેન્શન વગર કેબ બુક કરીને જવા માંગો છો, તો ખિસ્સા ખાલી થવા માટે તૈયાર રહો. એપ બેઝ્ડ કેબમાં આટલા અંતરનું ભાડું આશરે 282 રૂપિયાથી 343 રૂપિયાની વચ્ચે આવે છે. પીક અવર્સ અથવા ટ્રાફિકના સમયે આ ભાવ હજુ પણ વધી શકે છે.
ખર્ચ અને સમય બંનેની દૃષ્ટિએ મેટ્રો એક શ્રેષ્ઠ માધ્યમ છે. જો તમે ઘરથી મેટ્રો સ્ટેશન જવા રિક્ષાના 50 રૂપિયા, મેટ્રો સ્ટેશનની ટિકિટના 15 રૂપિયા અને સ્ટેશનથી ઑફિસ સુધીના 15 થી 50 રૂપિયા ગણો, તો કુલ ખર્ચ આશરે 70 થી 80 રૂપિયાની વચ્ચે બેસે છે. ટ્રાફિક વગર સમયસર પહોંચવા માટે આ બેસ્ટ છે.
જો એકલા જ જવું હોય તો કેબના બદલે બાઇક ટેક્સી પણ એક ઓપ્શન છે, જેનો ખર્ચ 90 થી 150 રૂપિયાની આસપાસ થાય છે. ટ્રાફિકમાંથી વહેલા નીકળવા માટે આ સારું છે, પરંતુ ખરાબ હવામાન કે લાંબી મુસાફરીમાં તે બહુ આરામદાયક નથી રહેતી.
તમામ વિકલ્પોમાં પોતાની બાઇક વાપરવી સૌથી સસ્તી સાબિત થાય છે. જો બાઇકની એવરેજ 45 થી 55 કિલોમીટરની હોય, તો 10-12 કિલોમીટરના અંતર માટે માત્ર 20 થી 30 રૂપિયાનું જ પેટ્રોલ વપરાય છે. કારની સરખામણીએ આ ખર્ચ ચોથા ભાગનો છે.
| મુસાફરીનું માધ્યમ | મુસાફરીના કિલોમીટર | અંદાજિત ખર્ચ (એક તરફનો) |
| પોતાની બાઇક | 10-12 કિમી | ₹20 – ₹30 |
| મેટ્રો | 10-12 કિમી | ₹70 – ₹80 |
| પોતાની કાર | 10-12 કિમી | ₹80 – ₹120 |
| બાઇક ટેક્સી | 10-12 કિમી | ₹100 – ₹200 |
| કેબ (Uber/Rapido) | 10-12 કિમી | ₹150 – ₹250 |
જો તમારી પાસે બાઇક છે અને અંતર ઓછું છે, તો બાઇકથી સસ્તું કંઈ જ નથી. પરંતુ જો લાંબી મુસાફરી હોય અને ટ્રાફિકના તણાવથી બચવું હોય, તો મેટ્રો સૌથી સ્માર્ટ અને બજેટ ફ્રેન્ડલી ઓપ્શન છે. આખરે નિર્ણય તમારા બજેટ અને સુવિધા પર નિર્ભર કરે છે.