
શું તમારા બ્લેક જીન્સ કે ડાર્ક કલરના ફોર્મલ પેન્ટ્સ પર ધોયા પછી સફેદ ડાઘા પડી જાય છે? સામાન્ય રીતે કપડાં પહેરવા, ધોવા, સૂકવવા અને ઇસ્ત્રી કરવા – આ ચાર તબક્કામાંથી જો ત્રણ તબક્કાનું ધ્યાન રાખવામાં આવે તો કપડાં લાંબા સમય સુધી નવા જેવા જ રહે છે. મોટાભાગે લોકો ગરમ પાણી અથવા કઠોર ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે, જે કપડાંના રંગને નુકસાન પહોંચાડે છે.
કપડાંનો રંગ ફીકો પડતો અટકાવવા માટે સૌથી પહેલી ટિપ એ છે કે તેને હંમેશા ઉલ્ટા કરીને ધોવા જોઈએ. વોશિંગ મશીનમાં નાખતા પહેલા જીન્સ કે પેન્ટને અંદરના ભાગેથી ફેરવી લો. હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરો અને શક્ય હોય તો માઈલ્ડ ડિટર્જન્ટ પસંદ કરો. બહુ વધારે પડતો સાબુ વાપરવો પણ કપડાં માટે નુકસાનકારક છે.
ઘણા લોકો કપડાં સુકાઈ ગયા પછી પણ લાંબા સમય સુધી તડકામાં રાખે છે, જેનાથી સૂર્યના કિરણો રંગ ઉડાડી દે છે. કપડાં સુકાઈ જાય એટલે તરત જ લઈ લેવા જોઈએ. ખાસ વાત એ છે કે કપડાંને સૂકવતી વખતે અને ઇસ્ત્રી કરતી વખતે પણ તેને ઉલ્ટા જ રાખવા જોઈએ. આ એક સરળ સ્ટેપ તમારા કપડાંની લાઈફ વધારી દેશે.
જો તમે આ સ્ટેપ-બાય-સ્ટેપ ટિપ્સ ફોલો કરશો, તો તમારા ડાર્ક કલરના પેન્ટ્સ અને જીન્સ મહિનાઓ સુધી શો-રૂમ જેવા જ ચમકદાર દેખાશે.