આજના આધુનિક યુગમાં પણ લોકો હજુ અંધશ્રદ્ધામાંથી બહાર આવ્યા નથી, જેનો એક કિસ્સો મુંબઈ શહેરમાં બન્યો છે. જૂનાગઢની યુવતીના લગ્ન વર્ષ પહેલા મુંબઈમાં થયા હતા. લગ્નના એક વર્ષ દરમિયાન યુવતીને પતિ તેમજ સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. માથા ઉપર સળગતી સગડી રાખી માતાજીના મઢના ફેરા ફરવાનું, મોઢું કાળું કરવું, મોઢામાં ચપ્પલ રાખવા, જૂતાનો હાર પહેરાવવા સહિતની અનેક વિધિઓ કરાવી યુવતીને માનસિક તેમજ શારીરિક ત્રાસ અપાતો હતો. આટલેથી અટક્યુ ન હોય તેમ યુવતી સગર્ભા થઇ તો સાસરિયા પક્ષ તરફથી એબોર્શન કરાવવા અંગે પણ દબાણ કરાતુ હતુ. આખરે બધાથી કંટાળી પોતાના પિયર જૂનાગઢ આવી યુવતીએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સમાજમાં અંધશ્રદ્ધાનું જોર વધ્યુ છે ત્યારે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે પ્રયાસ કરતી વિજ્ઞાન જાથાની ટીમે ઘટનાની જાણ થતા યુવતીની તેના ઘરે જઇને મુલાકાત લીધી હતી. વિજ્ઞાનજાથાએ આ મુદ્દે યુવતી અને તેના પરિવારને મળી શક્ય તમામ મદદ કરવા ખાતરી આપી છે.