શ્રદ્ધાળુઓએ જાણવુ જરૂરી ! હવે જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે ચૂકવવા પડશે પૈસા

| Edited By: | Updated on: Dec 19, 2022 | 10:01 AM

ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ ફડાવવી પડશે, તેવું બોર્ડ લગાવવામાં આવતા શિવભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ છે. પરીણામે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતા હોય છે. પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ ફડાવવી પડશે, તેવું બોર્ડ લગાવવામાં આવતા શિવભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વહીવટી તંત્રના નિર્ણય સામે દર્શનાર્થીઓએ વ્યક્ત કર્યો રોષ

દર્શનાર્થીઓનું કહેવું છે કે, જે માણસ ચાલીને દાદાના દર્શને આવતા હોય તેની પાસે પાંચ રૂપિયા પણ ન હોય અને તેની પાસેથી દાદાને જળાભિષેક કરવાના રૂપિયા 351 વસૂલ કરવામાં આવે તો તે નિરાશ થઈને પાછા જાય. જો આવી રીતે હેરાન કરવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે. અધિકારીએ કમિટીની સહમતિ વિના મનસ્વી નિર્ણય લીધો છે, જે સાવ ખોટો છે.