9 વર્ષ પછી ભારતના કોઈ વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી. વિદેશ મંત્રી એસ જયશંકરે એક જ મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. સ્થળ હતું ઈસ્લામાબાદનું જિન્ના કન્વેન્શન સેન્ટર. સ્ટેજ SCO સમિટનુ હતુ. જ્યારે એસ જયશંકરને બોલવાનો મોકો મળ્યો ત્યારે તેમણે રાજદ્વારી શૈલીમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીન પર આકરા શબ્દોમાં વાકપ્રહાર કર્યા. તે પણ SCO સમિટના તમામ દેશોના પ્રતિનિધિમંડળની સામે.
એસ જયશંકરે પાકિસ્તાન માટે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદ સાથે વેપાર શક્ય નથી. SCO માટે આતંકવાદ, કટ્ટરવાદ અને અલગતાવાદ ગંભીર પડકારો છે. સારા પડોશીની લાગણી ક્યાંક ખૂટે છે. સારા સંબંધો માટે વિશ્વાસ જરૂરી છે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે તેવી પણ તેમણે તેમના પ્રવચનમાં પાકિસ્તાનને સલાહ આપી.
આ મંચ પર ચીનના વડાપ્રધાન પણ હાજર હતા, જેમનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે એરપોર્ટ પર દોડી ગયા હતા. એસ જયશંકરે ચીનના વડાપ્રધાન સામે કહ્યું કે, તમામ દેશોએ એકબીજાની સરહદોનું સન્માન કરવું જોઈએ. યુદ્ધથી વિકાસમાં અવરોધ આવે છે. દરેકના સાર્વભૌમત્વનું સન્માન કરવું જરૂરી છે.
આ આખી વાર્તાની એક બાજુ એ છે કે ચીન અને પાકિસ્તાન ચુપચાપ ષડયંત્રો ચલાવી રહ્યા છે પરંતુ જ્યારે પણ તેમને આવું પ્લેટફોર્મ મળે છે ત્યારે તેઓ દુનિયાને બતાવવા માટે શાંતિના ગીતો ગાવા લાગે છે. સંવાદિતાના સંવાદો બોલવા માંડે છે. આજે પણ એવું જ થયું. શાહબાઝ શરીફે SCO પ્લેટફોર્મ પરથી શું કહ્યું તે પણ જાણો.
એસસીઓની બેઠકની શરૂઆત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન શાંતિ, સુરક્ષા અને સામાજિક-આર્થિક પ્રગતિ ઈચ્છે છે. મજબૂત SCO માટે વધુ સારી કનેક્ટિવિટી જરૂરી છે. એટલે કે, તેમની ભાષા અને સંબોધન વૈશ્વિક શાંતિ માટેના અહેવાલોમાં ઉપયોગમાં વારંવાર લેવાતા ઘસાઈ ગયેલા શબ્દોથી ભરેલી હતી.